(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (16  સપ્ટેમ્બર) અમદાવાદમાં જણાવ્યું હતું કે ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર પોતાના ઘરે આવીને સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા આવ્યા તે મારું સૌભાગ્ય છે.

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતું કે, મને વારંવાર અલગ-અલગ કોર્નરથી મેસેજ આવતા હતા કે ત્રીજીવાર શપથ લીધા પછી હું જલદી જ તમારી વચ્ચે આવું. તમારો નરેન્દ્ર ભાઇ પર હક છે. મેં લોકસભાની ચૂંટણીમાં તમને અને દેશવાસીઓને ગેરન્ટી આપી હતી. પ્રથમ 100 દિવસમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવાશે. ગત 100 દિવસમાં મેં દિવસ-રાત જોયું નથી, 100 દિવસનો એજન્ડા પુરો કરવા સંપૂર્ણ તાકાત લગાવી દીધી. દેશ હોય કે વિદેશ, જ્યાં પણ જે પ્રયત્નો કરવાના હતા તે કર્યા, કોઇ કસર છોડી નથી.

ત્રીજી ટર્મ માટે ચૂંટાયા પછી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગર્ભિત પ્રહારો કરતાં જણાવ્યું હતું કે નફરત અને નકારાત્મકતાથી ભરેલી કેટલીક વ્યક્તિઓ ભારતની એકતા અને અખંડિતતાને બરબાદ કરવા વિદેશમાં જઇને વિવાદાસ્પદ નિવેદનો આપે છે. દેશને વિભાજિત કરવાનો ઈરાદો ધરાવે છે અને બદનામ કરી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારતની ચૂંટણીની નિષ્પક્ષતા, અનામત સહિતના મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી.

15-16-17 સપ્ટેમ્બર એ ત્રણ દિવસ માટે વતન ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલવે ટ્રેન, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલવે સેવા, પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત ગુજરાતને રૂ. 8,000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. મોદીએ ગાંધીનગરમાં ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST 2024) ખુલ્લી મૂકી ભારપૂર્વક જણાવ્યું હતું કે 21મી સદીનો ઈતિહાસ લખાશે ત્યારે ભારતની સૌર ક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશે.

ભારત વિવિધતા, વ્યાપ, ક્ષમતા, સંભાવના તેમજ પ્રદર્શનની દ્રષ્ટિએ અજોડ છે અને વિશ્વને લાગે છે કે 21મી સદી માટે દેશ શ્રેષ્ઠ બાજી છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં મોદીએ ‘PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો રેલ સેવામાં મુસાફરી કરી હતી. મોદીએ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

અમદાવાદમાં જાહેરસભાને સંબોધતા મોદીએ કોઇનું નામ લીધા વગર જણાવ્યું હતું કે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ હદ પાર કરી શકે છે. નકારાત્મકતાથી ભરેલા કેટલાક લોકો ભારતની એકતા અને અખંડિતતાને નિશાન બનાવી રહ્યા છે, દેશને વિભાજિત કરવાનો ઈરાદો ધરાવે છે. નફરતથી ભરેલા લોકો ભારત અને ગુજરાતને બદનામ કરવાની કોઈ તક છોડતા નથી. તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં વિપક્ષે અપમાન કરીને ઠેકડી ઉડાવે છે, પરંતુ તેઓ સરકારના વિકાસના એજન્ડાને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે.

લોકોને મારા મૌનથી આશ્ચર્ય થયું હતું, પરંતુ તેમણે લોકો માટે પોતાનું બલિદાન આપવાનું નક્કી કર્યું છે.જો હું જીવું છું, તો હું તમારા માટે જીવું છું, જો હું સંઘર્ષ કરીશ, તો હું તમારા માટે સંઘર્ષ કરીશ, અને જો હું મારી જાતને બલિદાન આપીશ, તો તે તમારા હશે”

ભાજપે રાહુલ ગાંધી પર યુએસમાં “અનામત વિરોધી” ટિપ્પણી કરવાનો આક્ષેપ કર્યો અને તેને “દેશદ્રોહ” ગણાવ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતાએ, યુએસની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં બોલતા, તાજેતરની સંસદીય ચૂંટણીઓ સમાન ધોરણે લડવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

 

LEAVE A REPLY