ગુજરાત સરકારે સરકારે બુધવારે પ્રથમ વખત એક સાથે 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં શિક્ષક ભરતી પરીક્ષા TET-TAT પાસ કરનારા ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે વિરોધી દેખાવા કર્યા પછી સરકારે આ નિર્ણય કર્યો હતો.
ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા અને પ્રધાન ઋષિકેશ પટેલે કેબિનેટના નિર્ણયની માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 નવા શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. માધ્યમિક એટલે કે ધોરણ-9 અને ધોરણ-10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળામાં 3,000 એમ કુલ 3500 ઉમેદવારોની ભરતી કરાશે. ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ-11 અને ધોરણ-12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3250 મળીને 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.
તાજેતરમાં ગુજરાતમાં TET-TATના ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધી દેખાવો કર્યો હતો અને ભરતીની માગણી કરી હતી. સરકારે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયક યોજના લાગુ કરીને 11 મહિનાની કરાર આધારીત ભરતી કરવાનું શરૂ કર્યું છે જેનો TET-TAT ઉમેદવારો દ્વારા વિરોધ કરાયો હતો.