ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બુધવારે અમદાવાદમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવીને ગુજરાત ટાઇટન્સે સતત ચોથો વિજય મળ્યો હતો. આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સ આઠ પોઇન્ટ્સ સાથે પોઇન્ટ ટેબલમાં મોખરે આવી ગઈ હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં છ વિકેટે 217 રનનો વિશાળ સ્કોર ખડો કર્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સ 19.2 ઓવરમાં 159 રન કરી શકી હતી
રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત નબળી રહી હતી. ભારતીય ઓપનર અને ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણા પ્રારંભમાં જ આઉટ થઈ ગયા હતા. કેપ્ટન સંજુ સેમસને થોડી લડત આપીને ટીમ માટે આશા જીવંત રાખી હતી. તેણે 28 બોલમાં બે સિક્સર સાથે 41 રન ફટકાર્યા હતા. શિમરોન હેતમાયરે લડાયક બેટિંગ કરી હતી પરંતુ તેના પ્રયાસ ટીમને સફળતા અપાવી શકે તેમ ન હતા. કેરેબિયન બેટ્સમેન હેતમાયરે 32 બોલમાં બાવન રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિકસર અને ચાર ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે 29 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતના ઓપનર સાઇ સુદર્શન અને શુભમન ગિલે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો પરંતુ કેપ્ટન ગિલ ત્રીજી ઓવરના પહેલા બોલે જ જોફરા આર્ચર સામે બોલ્ડ થયો હતો. જોઝ બટલરે પોતાના અંગ્રેજ સાથી જોફરા આર્ચરનો સારી રીતે સામનો કર્યો હતો. તેણે સુદર્શન સાથે મળીને સ્કોર 100ની નજીક પહોંચાડી દીધો હતો. બટલરે 25 બોલમાં 36 રનની આકર્ષક ઇનિંગ્સ રમી હતી. સુદર્શને તેની અડધી સદી 32 બોલમાં પૂરી કરી હતી.
