
દેશની પરંપરાગત “જુડેયો-ક્રિશ્ચન” સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવા માટે બ્રિટનના લોકોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ અને આપણને ઉચ્ચ જન્મ દરની જરૂર છે એમ રિફોર્મ યુકેના નેતા નાઇજેલ ફરાજે લંડનમાં યોજાયેલી રાઇટ વિંગ કોન્ફરન્સમાં કહ્યું છે.
તેમણે જન્મ દર વધારવા માટેના વલણમાં તથા કુટુંબ શરૂ કરવા માટે વધુ લોકોને આશાવાદી બનાવવા માટે ‘૧૮૦ ડીગ્રીનો વળાંક લેવા હાકલ કરી હતી.
બે વાર છૂટાછેડા લેનાર ક્લેક્ટન, એસેક્સના સાંસદ ફરાજે સ્વીકાર્યું હતું કે તેઓ એકપત્નીત્વના “શ્રેષ્ઠ હિમાયતી” નથી. તેમણે દલીલ કરી હતી કે બ્રિટનનું પુનઃઔદ્યોગિકીકરણ થવું જોઈએ અને થેચર વર્ષોની ઉદ્યોગસાહસિક ભાવનાને ફરીથી શોધવી જોઈએ.
તેમણે ચાન્સેલર રશેલ રીવ્સની ડીક્લાઇનીસ્ટ કહી ટીકા કરી હતી અને કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોક પર હુમલો કરી દલીલ કરી હતી કે ટોરીઝે જમણેરી મતદારોને છોડી દીધા છે.
વિવાદાસ્પદ કેનેડિયન મનોવિજ્ઞાની જોર્ડન પીટરસન દ્વારા આયોજિત ચર્ચા દરમિયાન – ફરાજે દલીલ કરી હતી કે બ્રિટિશ ઓળખની અધોગતિ થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરાજ કોઈપણ મુખ્ય પક્ષના નેતા કરતાં સૌથી વધુ અનુકૂળતાનું રેટિંગ 30 પોઈન્ટ ધરાવે છે. તે પછી લિબ ડેમ્સના એડ ડેવી 27 પોઈન્ટ, સ્ટાર્મર 26 પોઈન્ટ અને બેડેનોક 17 પોઈન્ટ ધરાવે છે. યુગોવના સર્વે અનુસાર, તેમની પ્રતિકૂળતા 60 પોઈન્ટ પર હતી જ્યારે સ્ટાર્મરની 66 પોઈન્ટ હતી.
