ગ્રીન કાર્ડ અમેરિકામાં રહેવાનો કાયમી પરવાનો નથી તેવા વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સના વિવાદાસ્પદ નિવેદનથી ગ્રીનકાર્ડ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રીનકાર્ડ હોલ્ડર્સ કાયમ માટે અમેરિકામાં રહી શકે નહીં. ગ્રીનકાર્ડ રાખવાનો અર્થ એ નથી કે કોઈપણને જીવનભર અમેરિકામાં રહેવાનો અધિકાર મળી ગયો છે. સરકાર પાસે ગ્રીનકાર્ડ હોલ્ડર્સને કાઢી મૂકવાનો પણ અધિકાર છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ‘ગોલ્ડ કાર્ડ’ નામના વીઝા પ્રોગ્રામને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે વાઇસ પ્રેસિડન્ટે આ ટીપ્પણી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ કાયદેસર કાયમી રહેઠાણની છૂટ આપે છે. તેનાથી યુએસમાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાની મંજૂરી મળે છે, પરંતુ શરત એ છે કે તેઓએ ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન થાય તેવી કોઇ પ્રવૃત્તિ ન કરવી જોઇએ. ગ્રીન કાર્ડ ધારકો અને વિદ્યાર્થી વિઝા ધારકોની તુલનામાં અમેરિકન નાગરિકોને અલગ અધિકારો મળે છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ રાખનાર લોકોમાં મેક્સિકો પછી ભારતીયો બીજા ક્રમે છે. 2007થી 2022 સુધી 7.16 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યું હતું. આ ઉપરાંત 12 લાખથી વધુ પ્રવાસીઓ ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ગ્રીન કાર્ડ મળ્યાના 3થી 5 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ અમેરિકાની કાયમી નાગરિકતા માટે અરજી કરી શકે છે.
