પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભાવિશ અગ્રવાલ સંચાલિત ઓલાને ગ્રાહકોની પસંદગીના માધ્યમ પ્રમાણે રિફંડની રકમ ચુકવવા માટે સરકારે રવિવારે આદેશ આપ્યો હતો. ઓલાએ તેના પ્લેટફોર્મ મારફત બુક કરવામાં આવેલી તમામ ઓટો રાઇડ્સ માટેનું ગ્રાહકોને બિલ, રિસિપ્ટ કે ઇનવોઇસ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ રાઈડ-હેલિંગ પ્લેટફોર્મને ગ્રાહકોને રિફંડ મોડ વિશે પસંદગીઓ પૂરી પાડવાની સિસ્ટમ વિકસાવવા માટે આદેશ આપ્યો હતો. ઓલાએ હવે રિફંડની રકમ ગ્રાહકના બેન્ક ખાતામાં જમા કરવાની અથવા કૂપન આપવાની સિસ્ટમ ઊભી કરવી પડશે. ઓલા સામેની ફરિયાદો પછી ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ આ આદેશ આપ્યો હતો.

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) પરની માહિતી મુજબ 1 જાન્યુઆરી, 2024થી 9 ઓક્ટોબર સુધી ઓલા વિરુદ્ધ 2,061 ફરિયાદો મળી હતી. મોટાભાગની ફરિયાદો બુકિંગના સમયે દર્શાવવામાં આવ્યું હોય તેના કરતાં વધુ ઊંચું ભાડુ, રિફંડ ન મળવું, ડ્રાઇવર્સ દ્વારા વધારાની રોકડની માગણી, યોગ્ય લોકેશન પર ન પહોંચાડવું સંબંધિત હતી.

આથોરિટીએ નિરીક્ષણ કર્યું હતું કે ગ્રાહકોએ રિફંડ પોલિસી હેઠળ ઓલા એપ પર ફરિયાદ નોંધાવી હોય તેવા કિસ્સામાં ગ્રાહકોને માત્ર રિફંડ તરીકે કૂપન આપવામાં આવી હતી. ગ્રાહકોને રિફંડની રકમ બેન્ક એકાઉન્ટમાં પરત કરી ન હતી. તે ગ્રાહકોના હકોનો ભંગ કરે છે. નો ક્વેશ્વન આસ્ક્ડ પોલિસીનો અર્થ એ નથી કે કંપની નવી રાઇડ માટે તેની ફેસિલિટીનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરે છે.

LEAVE A REPLY