સરકારે શુક્રવારે ચૂંટણી નિયમમાં સુધારો કરી સીસીટીવી કેમેરા, વેબકાસ્ટિંગ ફૂટેજ અને ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગ જેવા ચૂંટણીના કેટલાંક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો સાર્વજનિક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવા ઇલેક્ટ્રોનિક ડેટાના દુરુપયોગને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણીપંચ પર પ્રહાર કરતાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પારદર્શકતાથી શા માટે ડરે છે. કોંગ્રેસ આ સુધારાને કાનૂની પડકાર આપશે. ચૂંટણીનીઝડપથી ઘટતી જતી વિશ્વસનીયતા અંગેને અમારા દાવાને નિયમમાં ફેરફારથી સમર્થન મળે છે.
ચૂંટણી પંચની ભલામણના આધારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે શુક્રવારે ચૂંટણીના નિયમો, 1961ના નિયમ 93(2)(a)માં સુધારો કર્યો હતો, જેનાથી કેટલાંક પેપર્સ અથવા દસ્તાવેજોનું જાહેર નિરીક્ષણ થઈ શકશે નહીં. નિયમ 93 મુજબ ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજનું જાહેર નિરીક્ષણ થઈ શકે છે. જોકે હવે નિયમમાં સુધારો કરી કેટલાંક પ્રકારના દસ્તાવેજોને પ્રતિબંધિત કરાયા છે.
કાયદા મંત્રાલય અને ચૂંટણી અધિકારીઓએ દલીલ કરી હતી કે આ સુધારાનું કારણ એક કોર્ટ કેસ છે.નિયમ 93(2)(a)માં ઉમેદવારી ફોર્મ, ચૂંટણી એજન્ટોની નિમણૂક, પરિણામો અને ચૂંટણી હિસાબોના સ્ટેટમેન્ટ જેવા દસ્તાવેજોનો ઉલ્લેખ છે, જોકે તેમાં સીસીટીવી કેમેરા ફૂટેજ, વેબકાસ્ટિંગ ફૂટેજ અને ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગનો સમાવેશ થતો નથી. આ નિયમો હેઠળ સીસીટીવી કવરેજ, મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવતું નથી. એવા ઘણા કિસ્સા છે કે જેમાં આ નિયમોને ટાંકીને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માગવામાં આવે છે. આ સુધારાથી તે ખાતરી થશે કે માત્ર નિયમોમાં ઉલ્લેખિત દસ્તાવેજો જ સાર્વજનિક નિરીક્ષણ માટે ઉપલબ્ધ બનશે.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે મતદાન મથકની અંદરના સીસીટીવી કેમેરા ફૂટેજનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો દુરુપયોગ થઈ શકે છે અને તેનાથી ચૂંટણીની ગુપ્તતા જોખમમાં મુકાય છે. આ તમામ ફૂટેજ સહિત આ તમામ દસ્તાવેજો ઉમેદવારો માટે ઉપલબ્ધ બનશે. જોકે બીજા લોકોએ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરવો પડશે.