
બોલીવૂડમાં છેલ્લા 35 વર્ષથી સક્રિય રહેલા ગોવિંદાનો પુત્ર યશવર્ધન પણ હવે તેના પિતાના પગલે આગળ વધી રહ્યો છે. આંખે, સાજન ચલે સસુરાલ, કુલી નંબર 1, રાજા બાબુ જેવી અનેક કોમેડી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ગોવિંદાને એક સમયે હીરો નંબર 1 કહેવામાં આવતા હતા. ગોવિંદાનો પુત્ર યશવર્ધન પણ અન્ય સ્ટારકિડ્સની જેમ પિતાનો વારસો સાચવવા માગે છે.
યશવર્ધન આહુજાને રોમેન્ટિક લવસ્ટોરી ધરાવતી ફિલમમાં મુખ્ય ભૂમિકા મળી છે.ગોવિંદાના પુત્રની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મકાર સાઈ રાજેશ ડાયરેક્ટ કરશે, જોકે ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ રોલ ઓફર થતાં પહેલા યશવર્ધનનું ઓડિશન લેવાયુ હતું અને તેની પ્રતિભા જોયા પછી જ તેની પસંદગી કરવામાં આવી હતી.
અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને મધુ મન્ટેના આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાના છે. યશવર્ધન સાથે લીડ રોલમાં નવા ચહેરાને લેવાની નિર્માતાની ઈચ્છા છે. નવી ટેલેન્ટને શોધવા માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. લીડ એક્ટ્રેસની પસંદગી માટે ઈચ્છુકો પાસેથી વીડિયો ક્લિપ્સ મંગાવી છે. અત્યાર સુધીમાં 14,000થી વધુ એક્ટ્રેસે વીડિયો ક્લિપ મારફતે ઓડિશન્સ આપ્યા છે. આ તમામ ઓડિશન્સને ચકાસ્યા બાદ લીડ એક્ટ્રેસ ફાઈનલ થશે. સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે ફિલ્મ બની રહી હોવાની છાપ ઊભી ન થાય તે હેતુથી નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી એક્ટ્રેસને પસંદ કરાય તેવી શક્યતા છે.
