સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો કે સરકારને જાહેર હિત માટે વિતરણ કરવા ખાનગી માલિકીની દરેક સંપત્તિ સંપાદન કરવાનો બંધારણ હેઠળ અધિકાર મળતો નથી. સર્વોચ્ચ અદાલતે 7:2ની બહુમતી આ ચુકાદો આપ્યો હતો.
જોકે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની ખંડપીઠે જણાવ્યું હતું કે અમુક કિસ્સામાં રાજ્યો ખાનગી મિલકતો પર દાવો કરી શકે છે. CJI આપેલો બહુમતી ચુકાદો ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયરના અગાઉના ચુકાદાને રદ કરે છે. અગાઉના ચુકાદામાં જણાવાયું હતું કે સરકારો તમામ ખાનગી માલિકીના સંસાધનો બંધારણની કલમ 39(b) હેઠળ વિતરણ માટે હસ્તગત કરી શકે છે.
સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી એ જટિલ કાનૂની સવાલનો ઉકેલ મળ્યો છે કે ખાનગી મિલકતોને કલમ 39(b) હેઠળ સમાજના ભૌતિક સંસાધનો ગણી શકાય કે નહીં તથા જાહેર હિત માટે તેની વહેંચણી કરવા માટે રાજ્યના સત્તાવાળા તેને હસ્તગત કરી શકે કે નહીં.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સમાજવાદી વિચારધારા હેઠળના બીજા તમામ ચુકાદાને પણ રદ કરે છે. જસ્ટિસ બી.વી. નાગરથ્નાએ CJI દ્વારા લખવામાં આવેલા બહુમતી ચુકાદા સાથે આંશિક રીતે અસંમતી વ્યક્ત કરી હતી, જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયા તમામ પાસાઓ પર આ ચુકાદા સાથે અસંમતી વ્યક્ત કરી હતી. હતાં.
1980માં મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલતે 42માં સુધારાની બે જોગવાઇને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ બે જોગવાઈઓ મુજબ બંધારણીય સુધારાને કોઇ પણ આધારે કોર્ટમાં પડકારી શકાય નહીં તથા વ્યક્તિઓના મૂળભૂત અધિકારો કરતાં રાજ્યોની નીતિના ડાયરેક્ટિવ સિદ્ધાંતોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે 1992માં મુંબઈ સ્થિત પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન (POA) દ્વારા દાખલ કરવામાં આવેલી મુખ્ય પિટિશન સહિત 16 અરજીઓ પર સુનાવણી કરીને ચુકાદો આપ્યો હતો. POAએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એક્ટના ચેપ્ટર VIII-Aનો વિરોધ કર્યો હતો. 1986માં દાખલ કરાયેલ ચેપ્ટર હેઠળ રાજ્ય સત્તાવાળાઓને એવી ઇમારતો અને જમીનને હસ્તગત કરવાની સત્તા મળી હતી કે જેમાં 70 ટકા રહેવાસીઓ પુનઃસ્થાપન હેતુઓ માટે આવી વિનંતી કરે.