કેટલાંક દર્દીઓની કથિત રીતે ખોટી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના વિવાદમાં ફસાયેલી અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) માંથી દૂર કરાઈ હતી. આ હોસ્પિટલ હવે આ યોજના હેઠળ સારવાર પૂરી પાડી શકશે નહીં. એન્જીયોપ્લાસ્ટી કથિત રૂપે આવશ્યકતા અથવા યોગ્ય અધિકૃતતા વિના કરવામાં આવી હતી તે પછી બે દર્દીઓના મૃત્યુ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બે દર્દીઓના મોત બાદ રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા હતાં. તપાસમાં બહાર આવ્યું હતું કે સાત વ્યક્તિઓએ બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. આ સર્જરી પછી બે દર્દીઓ જરૂરી સારવાર ન મળતા મૃત્યુ પામ્યા હતાં. પરિણામે રાજ્ય સરકારે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલ ખાતે કાર્ડિયેક સારવાર બાબતે બે લોકોના મૃત્યુ થયાના સમાચાર આવ્યા હતાં, જેમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ તપાસ પ્રમાણે કડીના બોરીસણા ગામે જઈને કેમ્પ કર્યો અને 19 વ્યક્તિમાંથી 7 લોકોની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. તે પૈકી 2 લોકોના મોત થયા. જે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી તેમના ઓપરેશનની જરૂર જ ન હતી.
સરકારે હોસ્પિટલને PMJAYથી બહાર કરવાની, માલિક સામે પગલાં લેવાની, પોલીસ કેસ દાખલ કરવાની, હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવા સહિતની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY