રિઝર્વ બેંકે શુક્રવારે રૂપિયા પરના દબાણ વચ્ચે વધુ વિદેશી મૂડીપ્રવાહ આકર્ષવા માટે ડાયસ્પોરાની વિદેશી ચલણ થાપણો પરના વ્યાજ દરની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. શુક્રવારથી ભારતીય બેન્કો 1 વર્ષથી 3 વર્ષ સુધીની મુદતની નવી FCNR (B) થાપણો પર ઓવરનાઈટ ઓલ્ટરનેટિવ રેફરન્સ રેટ (ARR) વત્તા 4 ટકા વ્યાજદર ઓફર કરી શકશે. એ જ રીતે 3થી 5 વર્ષની મુદતની આવી થાપણો પર ઓવરનાઈટ ઓલ્ટરનેટિવ રેફરન્સ રેટ (ARR) વત્તા 5 ટકા વ્યાજદર ઓફર કરી શકશે, અગાઉ આ રેટ ARR વત્તા 3.50 ટકા હતો. આ છૂટછાટ આવતા વર્ષે 31 માર્ચ સુધી જ મળશે.
ચાલુ નાણાકીય વર્ષ માટે પાંચમી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ફોરેન કરન્સી નોન રિસેડેન્ડ બેન્ક એકાઉન્ટ ડિપોઝિટ અથવા FCNR (B) થાપણો પર વ્યાજ દરની મર્યાદામાં મુદત મુજબ વધારો કરવાનો નિર્ણય કરાયો છે.
અમેરિકન ડોલર સામે રૂપિયો નવી નીચી સપાટીએ છે અને ભારતીય રિઝર્વ બેંક (RBI) રૂપિયાની અસ્થિરતાને કાબૂમાં રાખવા ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરવો પડી રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્કે આ હિલચાલ કરી છે. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં રૂપિયામાં ઊંચી વઘધટ જોવા મળી છે.
વિશ્વમાં રેમિટન્સનો સૌથી મોટો લાભાર્થી દેશ ભારતે અગાઉ પણ રૂપિયા પર તીવ્ર દબાણ આવે ત્યારે NRI થાપણો પણ આકર્ષક વ્યાજદર ઓફર કર્યા હતા.
દાસે જણાવ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરમાં યુએસ ડૉલરની મજબૂતી અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના વેચાણના દબાણને કારણે રૂપિયો 1.3 ટકા નબળો પડ્યો હતો. જોકે ભારતીય ચલણમાં આ વોલેટિલિટી બીજા ઊભરતા દેશોની સરખામણીમાં નીચી છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે વિદેશી હૂંડિયામણ અનામતનો ઉપયોગ અયોગ્ય અસ્થિરતાને ઘટાડવા, બજારનો વિશ્વાસ જાળવી રાખવા અને એકંદર નાણાકીય સ્થિરતા જાળવવા માટે વિવેકપૂર્ણ રીતે કરવામાં આવે છે.