એર ઇન્ડિયા સાથે મર્જરની પ્રક્રિયા સોમવાર, 11 નવેમ્બર 2024ના રોજ પૂરી થવાની સાથે ફુલ સર્વિસ એરલાઇન વિસ્તારા હવે ઇતિહાસ બની ગઈ છે. આ મર્જરની જાહેરાત 29 નવેમ્બર 2022ના રોજ થઈ હતી અને વિસ્તારોની ફ્લાઇટ્સે 11 નવેમ્બરે છેલ્લી ઉડાન ભરી હતી અને હવે તેના વિમાનો એર ઇન્ડિયા બ્રાન્ડ સાથે ઉડાન ભરશે.
એર ઈન્ડિયા સાથે વિસ્તારાનું વિલીનીકરણ ઝડપથી વિકસતા ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું કોન્સોલિડેશન છે, કારણ કે હવે ભારતમાં એર ઇન્ડિયા એકમાત્ર ફૂલ સર્વિસ એરલાઇન રહી છે.
ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે વિસ્તારાએ 9 જાન્યુઆરી 2015ના રોજ ભારતીય આકાશમાં ઉડ્ડયન સેવા ચાલુ કરી હતી. આ મર્જર પછી વિસ્તારા એરની ટિકિટ ધરાવતા 1,15,000થી વધુ મુસાફરો પ્રથમ મહિનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પર મુસાફરી કરશે. કંપનીએ કહ્યું છે કે મુસાફરોને વિસ્તારા જેવો જ અનુભવ થશે.
વિસ્તારાની ગોવા-બેંગલુરુ ફ્લાઇટ તેના ગંતવ્ય સ્થાને રવિવારે ઉતરી ત્યારે ‘કલ હો ના હો’ ગીત વગાડવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં,એરલાઈને જણાવ્યું હતું કે વિમાનની સાથે આપણા સપના પણ ઉડાન ભરે છે. ચાલો ભવિષ્ય તરફ આગળ વધીએ, જ્યાં આકાશ કોઇ મર્યાદા નથી, પરંતુ માત્ર શરૂઆત છે.
વિસ્તારાના મર્જરની સાથે છેલ્લાં 17 વર્ષમાં ભારતના ઝડપથી વિકસતા જતાં ઉડ્ડયન ક્ષેત્રમાં ફુલ સર્વિસ એરલાઇનની સંખ્યા પાંચથી ઘટીને માત્ર એક રહી છે. આમ છેલ્લાં 17 વર્ષમાં કુલ 5 ફૂલ સર્વિસ એરલાઇન્સે વિદાય લીધી છે. આ એરલાઇન્સમાં જેટ એરવેઝ, વિસ્તારા, કિંગફિશર, એર સહારા, એરએશિયા ઇન્ડિયાનો સમાવેશ થાય છે.