પ્રતિકાત્મક તસવીર (આઇસ્ટોક)

યુએસ ફેડ રિઝર્વ 17-18 સપ્ટેમ્બરે તેની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો ચાલુ કરશે તેવી ધારણાએ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ સોમવાર, 16 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચ્યા હતાં. હાજર સોનાના ભાવ 0.4 ટકા વધી $2,589.02 (£1,965.20)ના અત્યાર સુધીના સર્વોચ્ચ ઉંચા સ્તરે સ્પર્શ્યા હતાં. ડિસેમ્બર ડિલિવરી માટેના ગોલ્ડ ફ્યુચર્સનો ભાવ ઔંશ દીઠ $2,613.70એ સ્પર્શ્યો હતો.

સોનાના ભાવમાં ચાલુ વર્ષ અત્યાર સુધી 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ઊંચા વ્યાજદરને કારણે રોકાણકારો માટે સોનામાં રોકાણ ઓછું આકર્ષક બને છે. જોકે હવે ફેડ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા હોવાથી રોકાણકારો સોના તરફ વળ્યાં છે.

અમેરિકાના અર્થતંત્રમાં નરમાઇનો સંકેત આપતા આર્થિક ડેટા વચ્ચે ફેડ વ્યાજદરમાં કાપ મૂકે તેવી વ્યાપક ધારણા છે. અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે આ સપ્તાહે જણાવ્યું હતું કે બેરોજગારીના લાભોનો દાવો કરનારા લોકોની સંખ્યા 2,000 વધીને 230,000 થઈ હતી.

ગ્લોબલ ઇન્વેસ્મેન્ટ બેન્ક ગોલ્ડમૅન સૅક્સે આગાહી કરી છે કે અમેરિકામાં વ્યાજદરમાં સંભવિત ઘટાડા અને ઊભરતાં બજારોની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ઊંચી ખરીદીને કારણે 2025ની શરૂઆતમાં સોનાના ભાવ $2,700 સુધી પહોંચી શકે છે. જો અમેરિકા નવા નાણાકીય પ્રતિબંધો લાદશે અથવા યુએસ દેવાના બોજને લઈને ચિંતા વધશે તો સોનામાં વધુ વધારો થઈ શકે છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો અગાઉ કરતા લગભગ ત્રણ ગણા દરે સોનું ખરીદી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ચીનની સેન્ટ્રલ બેંક તેના અનામત ભંડોળમાં વિવિધતા લાવવાના પ્રયાસમાં છેલ્લા બે વર્ષથી તેના ફિઝિટલ ગોલ્ડ સ્ટોકમાં વધારો કરી રહી છે. તેને ગયા વર્ષે જ 7.23 મિલિયન ઔંસની ચોખ્ખી ખરીદી કરી હતી.

ટાઈન્ડલ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના વેલ્થ મેનેજર એડવર્ડ એલને જણાવ્યું હતું કે 2024ના અંત સુધીમાં વ્યાજદરમાં એક ટકાનો મોટો કાપ મૂકી શકે છે. તેનાથી સોનાના ભાવને પોઝિટિવ અસર થશે. નાઈન્ટી વનના એસેટ મેનેજર જ્યોર્જ ચેવેલીએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધારો ચાલુ રહેવાની શક્યતા છે. એકવાર નવા રેકોર્ડ તુટે છે ત્યારે ભાવમાં નવું મોમેન્ટમ આવે છે. ડોલરમાં નરમાઈ પણ સોનાના માગને પોઝિટિવ અસર કરી રહ્યું છે.

 

 

LEAVE A REPLY