ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક GMR ગ્રુપે સોમવાર, 30 સપ્ટેમ્બરે હેમ્પશાયર ઇંગ્લિશ કાઉન્ટી ક્લબમાં બહુમતી હિસ્સો ખરીદવા માટેનો કરાર કર્યો હતો. આ કરાર મુજબ શરૂઆતમાં GMR ગ્રુપ હેમ્પશાયરમાં 53 ટકા હિસ્સો મેળવશે. આની સાથે હેમ્પશાયર વિદેશી માલિકી ધરાવતી પ્રથમ કાઉન્ટી ટીમ બનશે. આગામી 24 મહિના દરમિયાન તબક્કાવાર રીતે ભારતીય ગ્રુપ 100 ટકા હિસ્સો હસ્તગત કરશે.
ક્લબે તેની વેબસાઇટ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “યુટિલિટા બાઉલ સાઇટ અને હેમ્પશાયર ક્રિકેટના માલિક હેમ્પશાયર સ્પોર્ટ એન્ડ લેઝર હોલ્ડિંગ્સે ભારતના GMR ગ્લોબલ (GGPL) સાથે બંધનકર્તા કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને તેનું આદાન-પ્રદાન કર્યું છે, જે નોંધપાત્ર વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત દર્શાવે છે. કરારના ભાગરૂપે GGPL શરૂઆતમાં હેમ્પશાયર સ્પોર્ટ એન્ડ લેઝર હોલ્ડિંગ્સ લિમિટેડમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે, જેમાં આગામી 24 મહિનામાં 100% માલિકી પૂર્ણ થવાની અપેક્ષા છે.”
GMR ગ્રૂપના કોર્પોરેટ ચેરમેન કિરણકુમાર ગ્રંથીએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય “મૂલ્ય નિર્માણ” કરવાનો અને ઉભરતી પ્રતિભાઓને તકો પૂરી પાડવાનો રહેશે. આ એક્વિઝિશન સાથે યુએસ, દુબઈ અને ભારતમાં અમારા રોકાણો સાથે GMR વૈશ્વિક યુવાનોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે નાણાકીય સમજદારી, મૂલ્ય નિર્માણ અને યુવા પ્રતિભા માટે તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
હાલમાં GMR દિલ્હી કેપિટલ્સ (IPL અને WPL), દુબઈ કેપિટલ્સ (ILT20) અને પ્રિટોરિયા કેપિટલ્સ (SA20)માં 50 ટકા હિસ્સો ધરાવે છે. વધુમાં જીએમઆર જૂથે મેજર લીગ ક્રિકેટ, યુએસએમાં સિએટલ ઓર્કાસમાં રોકાણ કર્યું છે.
માલિકીના નવા માળખા હેઠળ હેમ્પશાયરની હાલની નેતૃત્વ ટીમ યથાવત રહેશે. રોડ બ્રાન્સગ્રોવ ઓછામાં ઓછા 30 સપ્ટેમ્બર, 2026 સુધી ગ્રુપ ચેરમેન તરીકે ચાલુ રહેશે અને ડેવિડ માન ગ્રુપ સીઈઓ તરીકે તેમની ભૂમિકા જાળવી રાખશે.
રોડ બ્રાન્સગ્રોવે જણાવ્યું હતું કે આ મારા માટે એક સ્વપ્નની પરિપૂર્ણ થવા સમાન છે અને હું આશા રાખું છું કે હેમ્પશાયર ક્રિકેટના તમામ સમર્થકોનું સપનું પુરું થયું છે. સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા પછી અમે સહિયારા મૂલ્યો અને અમારા વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે અમારા ભાગીદારો તરીકે GGPL (GMRની પેરેન્ટ કંપની) પસંદ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રુપમાં જોડાનાર પ્રથમ ઇંગ્લીશ ક્રિકેટ ક્લબ બનવાથી નવી આકર્ષક નવી તકો ખુલશે. ECB ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચાર્ડ ગોલ્ડે આ કરારને આવકાર્યો હતો.