ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ધ એક્સચેન્જ ખાતે સૌ પ્રથમ વખત આયોજીત દિવાળી અને બાંડી ચોર દિવસ કાર્યકમમાં ઈન્ડો-પેસિફિક મંત્રી કેથરિન વેસ્ટે સ્કોટલેન્ડના ભારતીય ડાયસ્પોરાને ‘જીવંત પુલ’ તરીકે બિરદાવ્યો હતો અને તે ડાયસ્પોરા જ બ્રિટનને ભારત સાથે વધુ ગાઢ સંબંધો બાંધવામાં અને બંને રાષ્ટ્રો માટે વિકાસને આગળ વધારવામાં મદદ કરશે એમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા સ્કોટલેન્ડના અગ્રણી ભારતીય ડાયસ્પોરા સમુદાયો દ્વારા યુકેના વેપાર, સાંસ્કૃતિક અને રાજકીય જીવનમાં આપેલા યોગદાનની ઉજવણી કરાઇ હતી. ભારતના કોન્સ્યુલ જનરલ સિદ્ધાર્થ મલિક સભામાં સન્માનિત મહેમાન હતા.
ઈન્ડો-પેસિફિક પ્રધાન કેથરિન વેસ્ટએ કહ્યું: હતું કે “દિવાળી અને બાંદી ચોર દિવસની ભાવના લોકોને એકસાથે લાવી રહી છે. ભારત સાથેની અમારી ભાગીદારીને મજબૂત કરવા યુકે સરકારના અભિયાનમાં સ્કોટલેન્ડ જે અનન્ય યોગદાન આપી રહ્યું છે તેની ઉજવણી કરવી મહત્વપૂર્ણ છે. આ સરકાર બંને દેશોમાં કામ કરતા લોકોની આજીવિકા સુધારવા માટે ભારત અને યુકે વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારત એક મહત્વપૂર્ણ વૈશ્વિક ખેલાડી છે અને યુકે સરકારની મહત્વાકાંક્ષાઓ દિલ્હીથી ડન્ડી અને ગુંટુરથી ગ્લાસગો સુધી વૃદ્ધિ પહોંચાડવાની છે.”
સ્કોટિશ સરકાર તથા ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસના અધિકારીઓ હાજર રહ્યા હતા. યુકે સરકારે ભારતમાં વ્હિસ્કી એક્સાઈઝ ડ્યુટી કટ હાંસલ કરવામાં પણ મદદ કરી છે. મિનિસ્ટર વેસ્ટ એબરક્રોમ્બી હાઉસ સ્થિત સ્ટાફ સાથે પણ મળ્યા હતા.