પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરે પ્રારંભ થશે. આ વર્ષની પરિક્રમાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કરાયો છે.36 કિમી લાંબી આ પરિક્રમા 15 નવેમ્બર દેવ દિવાળીના રોજ પૂર્ણ થશે. પરિક્રમાના રસ્તે અનેક ઉતારા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ગિરનાર લીલી પરિક્રમા માટે રાજકોટ એસટી વિભાગના મોરબી, સુરેન્દ્ર નગર અને ગોંડલથી 50 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એક્સ્ટ્રા ફાળવેલ બસ પાંચ દિવસ માટે નોન સ્ટોપ જૂનાગઢ માટે દોડશે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.
ગિરનાર પરિક્રમા ભવનાથ તળેટીના દૂધેશ્વર મંદિરથી શરૂ થાય છે અને યાત્રિકો ગાઢ જંગલમાંથી પસાર થઈને પડકારરૂપ પર્વતીયાળ માર્ગ ઈંટવાની ઘોડી પહોંચે છે. આ પછી તેઓ હસ્નાપુર ડેમ પાસે સ્થિત ઝીણા બાવાની મઢી પર પહોંચે છે, જ્યાં તેઓ રાતનો વિરામ કરે છે.
અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા, રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતાં અંદાજે સાડા ત્રણ માઈલ દૂર હસનાપુર કે જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણ કરે છે.જે પછી કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે, તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રિ વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે.