લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ICAI ઇન્ડિયાના સહયોગથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ના યુકે ચેપ્ટર દ્વારા ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC), GIFT સિટીમાં બુકકીપિંગ, એકાઉન્ટિંગ, ટેક્સેશન અને ફાઇનાન્શિયલ ક્રાઇમ કમ્પ્લાયન્સ (BATF)ની તકો પર જ્ઞાનવર્ધક કોન્ફરન્સનું આયોજન સેન્ટ્રલ લંડનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોલ, વન મૂરગેટ પ્લેસ ખાતે કરવામાં આવ્યું હતું.
IFSCAના અધ્યક્ષ શ્રી કે રાજારામને પોતાના કી-નોટ પ્રવચનમાં ભારત-યુકે આર્થિક સંબંધોના મહત્વ અને વધુ રોકાણ અને ટેકનોલોજી સહયોગ માટેની તકો પર ભાર મૂકતા કહ્યું હતું કે “ભારતમાં નાણાકીય સેવાઓના ઝડપી વિકાસ સાથે, આ ક્ષેત્રમાં યુકે અને ભારત વચ્ચે ભાગીદારીની સંભાવનાઓ અપાર છે. IFSC રોકાણની તકોને વધારવા અને વૈશ્વિક નાણાકીય નેતૃત્વ માટેની ભારતની આકાંક્ષાને ટેકો આપવા માટે રચાયેલ છે.”
ICAI ના પ્રમુખ શ્રી ચરણજોત સિંહ નંદાએ કહ્યું હતું કે ભારતમાં રોકાણ માટેની અપાર સંભાવનાઓ અને સીમલેસ આંતરરાષ્ટ્રીય વ્યવહારો અને આર્થિક વિસ્તરણને સરળ બનાવવામાં GIFT સિટીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
IFSCAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. દીપેશ શાહે સૌને IFSC ઇકોસિસ્ટમમાં ઉપલબ્ધ અસંખ્ય શક્યતાઓનું અન્વેષણ કરવા અને વૈશ્વિક નાણાકીય પરિદૃશ્યમાં વૃદ્ધિ અને નવીનતા માટેની તકોનો લાભ લેવા વિનંતી કરી હતી.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ICAEW) ના પ્રમુખ શ્રી માલ્કમ બેચસે ભારતના પ્રથમ GIFT સિટીની ભૂમિકા વિશે વાત કરી GIFT સિટીની પ્રોફેશનલ-મૈત્રીપૂર્ણ માળખાગત સુવિધા, સ્પર્ધાત્મક કર વ્યવસ્થા અને નિયમનકારી વાતાવરણ બાબતે માહિતી આપી હતી.
ICAI UK ના અધ્યક્ષ શ્રી વિવેક સારાઓગીએ આર્થિક વિકાસમાં સહયોગના મહત્વ અને GIFT સિટી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિષે વાત કરી હતી. ICAI UK ચેપ્ટરના સચિવ શ્રી કૃષ્ણ પ્રસાદ દહલે આભાર વ્યક્ત કર્યો.
કોન્ફરન્સમાં IFSCA અધિકારીઓ દ્વારા GIFT સિટીમાં નાણાકીય સેવાઓનું સંચાલન કરતા રેગ્યુલેટરી માળખા, પ્રોફેશનલ સંભાવનાઓ બાબતે માહીતગાર કરાયા હતા અને ગિફ્ટ સિટીની ક્ષમતાનો લાભ લેવા મુખ્ય ભાગીદારો, ઉદ્યોગ નિષ્ણાતો અને રેગ્યુલેટરી અધિકારીઓ એક સાથે આવ્યા હતા.
