Pictures: Raj D Bakrania

ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇના પ્રકાશક એશિયન મિડીયા ગૃપ દ્વારા તા. 1 ઓક્ટોબરના રોજ ધ ભવન ખતે પ્રખ્યાત ઈતિહાસકાર અને લેખક વિલિયમ ડેલરીમ્પલ સાથે તેમના તાજેતરમાં પ્રકાશીત થયેલ પુસ્તક, ‘ધ ગોલ્ડન રોડઃ હાઉ એન્સિયન્ટ ઈન્ડિયા ટ્રાન્સફોર્મ્ડ ધ વર્લ્ડ’ વિષય પર એક વિશિષ્ટ વાર્તાલાપનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં  લોકોએ ભાગ લીધો હતો.

ભારત અને ભારતના લોકો વિષે વ્યાપક અભ્યાસ કરનાર વિલિયમ ડેલરીમ્પલે લાગલગાટ 80 મિનિટ સુધી ભારતના વૈભવ, ભારતના સામ્રજ્ય, વેપાર વણજ અને હિન્દુ તેમજ બૌધ્ધ ધર્મના વ્યાપ વિષે શ્રોતાઓને દાખલા, દલીલો અને તસવીરોની સ્લાઇડ્સ સાથે માહિતી પૂરી પાડી હતી, જેનો વિશદ ઉલ્લેખ તેમણે પોતાના નવા પુસ્તક ધ ગોલ્ડન રોડમાં કર્યો છે.

તેમણે પ્રાચીન યુરેશિયાના હૃદય તરીકે ભારતની વારંવાર ભૂલી જવાયેલી અને કઇંક અંશે અવગણવામાં આવેલી સ્થિતિને ઉજાગર કરી હતી. તો અંગકોર વાટ ખાતેના વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિરથી લઈને ચીનમાં વ્યાપેલા બૌદ્ધ ધર્મ સુધી, રોમન સામ્રાજ્યને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરનાર વેપારથી લઈને આજે આપણે જે શૂન્ય સહિતની સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ તેનું ખરૂ અને સાચુ ઉદ્ભવ સ્થાન ભારત હતું તેની સમજ આપી હતી.

વિલિયમ ડેલરીમ્પલે પોતાના મનનીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે “250 BC અને 1,300 ADની વચ્ચેના સમયગાળા દરમિયાન ચીન નહીં પણ ભારત એશિયાનું એક માત્ર રાષ્ટ્ર હતું જેનો વેપાર અને સંસ્કૃતિ ઝળહળતી હતી. તે વખતની વાત કરૂ તો લાલ સમુદ્રના કિનારે ઇજિપ્ત અને આરબ દેશો તરફ જવા માટે વેપરીઓ ગુજરાતથી સઢવાળુ જહાંજ લઇને જતા. તેમને જવામાં  40 દિવસ લાગતા. તે પછી પવન ફરી પાછો વળે તેની રાહ જોવી પડતી અને ઑગસ્ટ શરૂ થતાં તે જ પવનનો ઉપયોગ કરીને ગુજરાત પાછા ફરી શકતા હતા. ભારતના વેપારીઓએ કુદરતના આ કરિશ્માનો ઉપયોગ કરીને વેપાર વધાર્યો હતો.’’

તેમણે કહ્યું હતું કે ‘’ઇસ્ટ એશિયા અને ચીન તરફ જવા માટે ભારતીય વેપારીઓ મલાક્કા સ્ટ્રેટમાંથી મેકોંગ ડેલ્ટા અને તેનાથી આગળ ચીન તરફ પવન ફૂંકાતા પવનોનો ઉપયોગ કરતા. તે પવનોનો ઉપયોગ પૂરઝડપે મુસાફરી કરવા માટે થતો હતો. તેથી ભારત હંમેશા તેની ભૂગોળ અને હવામાનશાસ્ત્રની પ્રકૃતિ દ્વારા, હંમેશા એક મહાન વેપારી રાષ્ટ્ર રહ્યું છે. અન્ય કોઈ રાષ્ટ્રને આ પવન પ્રણાલીનો આશીર્વાદ નથી જે સઢવાળી બોટને બંને દિશામાં પ્રચંડ ઝડપે મુસાફરી કરવા માટે મંજૂરી આપે છે.’’

વિલિયમે કહ્યું હતું કે ‘’આ અઠવાડિયે સિલ્ક રોડ પર બે પ્રદર્શનો થયા છે. બંને પૂર્વ અને પશ્ચિમના આંતરરાષ્ટ્રીય કલેક્શન વિશે છે પરંતુ તે ભારતને નજરઅંદાજ કરે છે. પરંતુ હવે આપણે જાણીએ છીએ કે, ભારત વેપાર વણજમાં મહત્વ ધરાવતું સ્થાન હતું ચીન નહિં. સિલ્ક રોડનો ઉલ્લેખ કોઈપણ પ્રાચીન સ્ત્રોત, પૂર્વ, પશ્ચિમ, ચાઈનીઝ અથવા અન્ય કોઈ દ્વારા કરવામાં આવ્યો નથી. સિલ્ક રોડ પરના નકશા જણાવે છે કે ખરેખર ભારત જ્યારે વેપાર કરતું હતું ત્યારે કહેવાતા સિલ્ક રોડનું અસ્તિત્વ પણ ન હતું.’’

તેમણે પોતાના સંશોધનને સાબિતી આપતાં કહ્યું હતું કે ‘’લાલ સમુદ્રના મુખ પર એડન ખાતે નાઇલ નદીમાંથી, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી મળી આવેલા રોમન સિક્કાઓ દર્શાવે છે કે તેમનો વેપાર રોમ અને ભારત સાથે હતો. પરંતુ ચીનમાં ક્યારેય એક પણ રોમન સિક્કાનો સંગ્રહ જોવા મળ્યો નથી કારણ કે ચાઈનીઝ અને રોમન એકબીજાના અસ્તિત્વથી અજાણ હતા. તે સમયે દર વર્ષે 250 કરતા વધુ જહાજો ભારત માટે રવાના થતા હતા.’’

વિલીયમે પોતાના પ્રવચનમાં તમિલ વેપારી મંડળોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેઓ પોતાના જહાજો, ભાડૂતી ટુકડીઓ રાખતા હતા અને મલાક્કા સ્ટ્રેટમાંથી વેપાર કરવા જતા હતા. તે સમયે ભારતથી મનોટા જહાજોમાં વાઘ અને હાથીઓ વિદેશ લઇ જવાયા હતા અને તેમની પાસે ખાસ હાથીનુ પરિવહન કરતા વિશાળ જહાજો હતા.

વિલીયમે હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રસાર અને કમ્બોડીયાના આંગકોરવાટ સ્થિત હિન્દુ મંદિરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘’મૂળરૂપે તે માત્ર વિષ્ણુ મંદિર જ નહીં, પરંતુ વિશ્વમાં ક્યાંય પણ બનેલું સૌથી મોટું હિન્દુ મંદિર છે અને અચરજ એ છે કે તે મંદિર ભારતમાં નથી, પરંતુ દક્ષિણપૂર્વ એશિયામાં કંબોડિયામાં છે. બૌદ્ધ ધર્મ 12મી સદી સુધીમાં સાઇબિરીયા અને મંગોલિયા સુધી પહોંચ્યો હતો. 250 બીસીમાં સમ્રાટ અશોકના આગમન સાથે, બૌદ્ધ ધર્મ ખરેખર ફેલાયો હતો. અશોક માત્ર ડેક્કન સુધી બૌદ્ધ ધર્મ ફેલાવવાથી સંતુષ્ટ રહ્યા ન હતા. તેમણે દક્ષિણ ભારતમાં અને ત્યાંથી પુત્ર મહિન્દાને શ્રીલંકા મોકલ્યા હતા. શ્રીલંકામાં પણ મહાન મઠો,  બ્રાહ્મી શિલાલેખ અને સ્તૂપ હોવાનું જણાયું છે. આવા જ મઠ જાવા, સુમાત્રા અને થાઈલેન્ડમાં પણ જોવા મળે છે.’’

વિલીયમે કહ્યું હતું કે ‘’બૌધ્ધ ધર્મનો પ્રસાર અડધા વિશ્વમાં થયો હતો. ભગવાન બુધ્ધના ભારતીય, ચાઇનીઝ અને  રોમન જેવા ચહેરાઓ ધરાવતી પ્રતિમાઓ જોવા મળે છે. જેને કારણે ક્યારેક તો તમને ભગવાન બુધ્ધ ગ્રીક કે રોમનાઇઝ્ડ બુદ્ધ હોવાનો અહેસાસ થાય છે. બૌદ્ધ ધર્મ ઉત્તર તરફ અફઘાનિસ્તાનમાં ફેલાયો હતો જ્યાં પછીથી  દુર્ગા અને લક્ષ્મીને સમર્પિત મંદિરો પણ મળી આવ્યા છે.’’

વિલિયમે કહ્યું હતું કે ‘’મેં છેલ્લા ત્રણ અઠવાડિયામાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં વાત કરી છે પણ ત્યાં માત્ર મુઠ્ઠીભર લોકોએ બ્રહ્મગુપ્ત અને આર્યભટ્ટ વિશે સાંભળ્યું છે. આપણે શુન્યનો ઉપયોગ કરીએ છીએ અને લોકો માને છે કે અરબથી આવ્યું છે. પણ ખરેખર આરબોએ તે શૂન્ય ભારતીયો પાસેથી મેળવ્યું છે.

વિલિયમે કહ્યું હતું કે ‘’ભારતની નાલંદા અને અન્ય વિદ્યાપીઠોના નામે ઓળખાતિ પ્રાચિન યુનિવર્સીટીઓમાં વેદ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, તત્વજ્ઞાન, દવા, અધ્યાત્મશાસ્ત્ર, ભવિષ્યકથન, ગણિત, સંસ્કૃત, ખગોળશાસ્ત્ર, સાહિત્યનું શિક્ષણ અપાતું હતું. તે યુગમાં ભારતનું ઉજ્જૈન બૌદ્ધિકો માટે ખગોળશાસ્ત્રનું મોટું કેન્દ્ર હતું. ચીની યાત્રી વિદ્વાન ઝુઆનઝેંગે ભારતીય હસ્તપ્રતોની નકલ કરવામાં 20 વર્ષ વિતાવ્યા હતા.’’

વિલિયમે પોતાના પ્રવચનમાં ભારતમાં વ્યાપેલ હિંદુ ધર્મ અને બાલી અને આજુબાજુના દેશોમાં વ્યાપેલ હિન્દુ ધર્મના તફાવત વિષે તથા ચેસની રમતના ભારતમાં થયેલ ઉદ્ભવ અને પર્શિયામાં થયેલ સ્થળાંતર અને ચેકમેટ વિષે પણ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ‘’1492માં વાસ્કો ડી ગામા કાલિકટમાં આવ્યા હતા. તે સમયની હિસાબની ભારતીય પદ્ધતિઓ જ યુરોપિયન કોર્પોરેશનને ઉદય તરફ દોરી ગઇ હતી. તેથી તમે એવી દલીલ કરી શકો છો કે અંગ્રેજોએ આવા ભારતીય શસ્ત્રો વડે જ ભારત પર વિજય મેળવ્યો હતો જે આખરે ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફ દોરી ગયો હતો.

વિલિયમે કહ્યું હતું કે ખરેખર તેઓ ઇરાક જઇને પુરાતત્વવિદ્ બનવા માંગતા હતા પણ ભગવાનનો આભાર કે તે યોજના ખોટી પડી હતી.

તેમણે એક પ્રશ્નનો જવાબ પતાં કહ્યું હતું કે સ્પષ્ટ છે કે બૌદ્ધ ધર્મ પહેલાથી જ ઝુઆનઝાંગના સમયમાં મૃત્યુ પામવા લાગ્યો હતો. તેમણે કંદહાર (ગાંધાર)માં આવેલા ઘણા મહાન મઠો ખાલી જોયા હતા અને ત્યાં મૂર્તિપૂજકોના મંદિરો જોયા હતા. હિંદુ ધર્મ વધુ અસરકારક અને આકર્ષક રીતે જોવામાં આવ્યો હતો. રામાયણ અને મહાભારત સાથે, ગુપ્ત યુગમાં અવિશ્વસનીય રીતે તેણે પુનરાગમન કર્યું હતું.

ભારતીય સંસ્કૃતિ વિશે ઉત્તર આપતા વિલિયમે કહ્યું હતું કે ‘’મેં ભારતમાં મારું પુખ્ત જીવન જીવવાનું પસંદ કર્યું છે. હું 40 વર્ષથી ભારતની આસપાસ ઉત્સાહપૂર્વક પ્રવાસ કરું છું. મને હજી પણ લાગે છે કે મેં ઉત્તરપૂર્વનું અડધું ઘર જોયું નથી. તે આટલો મોટો અને ઘણી બધી રીતે સંસ્કારી દેશ છે, આટલા બધા નૃત્ય, સાહિત્ય અને ધર્મના વિવિધ સ્વરૂપો મને ખેંચી રાખે છે. એક જ વસ્તુ જે મને ખૂબ આનંદ આપે છે તે કળા છે, કેમ કે હું એક કલા ઇતિહાસકાર છું. મેં હમણાં જ ફરી એકવાર ભારતના સ્મારકોની મુલાકાત લીધી છે.’’

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ભવનના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી નંદ કુમારે પ્રાર્થના દ્વારા કર્યું હતું અને ભવનના સ્થાપના અને કામગીરીની માહિતી આપતાં કહ્યું હતું કે આ પુસ્તક તેવા લોકો માટે જ નથી જેઓ ભારતને જાણતા નથી, પરંતુ આપણામાંના ઘણાં લોકો જેઓ ભારતમાં મોટા થયા છે તેમના માટે છે. મને નથી લાગતું કે તેઓ ભારતની સમૃદ્ધિથી વાકેફ છે.

કાર્યક્રમના મોડરેટર અને ઇસ્ટર્ન આઇના એડિટર એટ લાર્જ શ્રી અમિત રોયે જણાવ્યું હતું કે ઇસ્ટર્ન આઇ દ્વારા ઘણાં કાર્યક્રમો અને પ્રકાશનનું કાર્ય કરવામાં આવે છે. અમે કલાની સમગ્ર શ્રેણીની સરાહના કરવા2016 માં આર્ટસ એવોર્ડ શરૂ કર્યો હતો. હવે અમે પુસ્તકો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને નવી શ્રેણી શ્રેષ્ઠ પુસ્તકોની સરાહના કરવાની છે.

ઇસ્ટર્ન આઇના એડિટર-એટ-લાર્જ અમિત રોય સાથે વાર્તાલાપ કરી શ્રોતાઓના પ્રશ્નોના જનાબ આપ્યા હતા.

અત્રં ઉલ્લેખનીય છે કે વિલિયમના છેલ્લા પુસ્તક, ‘ધ અનાર્કી: ધ રિલેંટલેસ રાઈઝ ઑફ ધ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ એ બ્રિટિશ સામ્રાજ્યને જે રીતે અહોભાવથી જોવામાં આવે છે તે બદલવામાં મદદ કરી છે. તેઓ વ્હાઇટ મુઘલ્સ અને ધ લાસ્ટ મુગલ સહિત એક ડઝનથી વધુ પુસ્તકોના લેખક છે. છેલ્લા 40 વર્ષથી ભારત ડેલરીમ્પલનું ઘર છે અને કલાકાર પત્ની ઓલિવિયા ફ્રેઝર અને તેમના ત્રણ બાળકો સાથે દિલ્હીની બહાર એક ગૉટ ફાર્મમાં રહે છે.

(Picture Courtesy:L Raj D Bakrania)

LEAVE A REPLY