. (PTI Photo)

ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ નિયુક્ત કરાયો હતો. 42 વર્ષીય ગંભીર ભારતનો 23મો હેડ કોચ બન્યો છે અને આગામી ત્રણ વર્ષ માટે તેણે કરાર કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝમાં ભારતે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભૂતપૂર્વક્રિકેટર રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો હતો.

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતુ કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરને આવકારતા હું અત્યંત આનંદ અનુભવું છું. આધુનિક યુગમાં ક્રિકેટ ખૂબ ઝડપથી વિકસ્યું છે અને ગંભીર તેના બદલાતા પરિદૃશ્યનો નજીકનો સાક્ષી રહ્યો છે. તેની સમગ્ર કારકિર્દીમાં અનેક પડકારોનો સામનો કરીને પોતાની વિવિધ ભૂમિકામાં તેણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ભારતીય ક્રિકેટને આગળ ધપાવવા માટે ગૌતમ આદર્શ વ્યક્તિ છે તેવો મને વિશ્વાસ છે.

ગૌતમ ગંભીર 2007માં ટી20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો હતો. આ ઉપરાંત તેના નેતૃત્વમાં આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ 2012 અને 2014માં ચેમ્પિયન બની હતી. જ્યારે 2024માં કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન બન્યું ત્યારે ગંભીર ટીમનો મેન્ટર હતો.

ગંભીરે 2003માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ મેચ રમી હતી. તેની કારકિર્દીમાં ગંભીરે 58 ટેસ્ટ, 147 વન-ડે તથા 37 ટી20 મેચ રમી હતી. ગૌતમ ગંભીરના નામે 10 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય રન છે. 2016માં ભારત તરફથી છેલ્લી મેચ રમનાર ગંભીરે 2018માં ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY