હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરીને ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિ 95 ટકા વધી રૂ. 11.6 લાખ કરોડ થઈ હતી. આની સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીની કુલ નેટવર્થ 25 ટકા વધીને રૂ. 10.14 લાખ કરોડ થઈ હતી.
ગુરુવારે જારી કરાયેલા 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ મુજબ 2023માં હિન્ડનબર્ગ રીપોર્ટ પછી અદાણીની સંપત્તિ 57 ટકા ઘટીને રૂ.4.74 લાખ કરોડ થઈ હતી. આની સામે મુકેશ અંબાણીની સંપત્તિ રૂ.8.08 કરોડ હતી. દેશના ટોચના પાંચ ધનિકોમાં ગુજરાતના ત્રણ ધનિકોને સ્થાન મળ્યું હતું. ગૌતમ અદાણી, મુકેશ અંબાણી પ્રથમ અને બીજા ક્રમે રહેવા ઉપરાંત સન ફાર્માના દિલીપ સંઘવી પાંચમાં સ્થાને રહ્યાં હતાં.
2014ના રીપોર્ટમાં હુરુને અદાણીની સંપત્તિ રૂ.44,000 કરોડ આંકી હતી અને તેઓ દસમા સૌથી અમીર ભારતીય બન્યા હતાં.
આઇટી કંપની HCLના શિવ નાદર અને પરિવારે રૂ.3.14 લાખ કરોડની નેટવર્થ સાથે ત્રીજા સૌથી ધનિક બન્યાં હતા. 2024માં રૂ.2.89 લાખ કરોડની નેટવર્થ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ પૂનાવાલા એક સ્થાન સરકીને ચોથા સ્થાને આવ્યાં હતાં.
ગુજરાત સ્થિત સન ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવીએ ધનિકોની આ યાદીમાં આગેકૂચ ચાલુ રાખી હતી. ગયા વર્ષે છઠ્ઠા સ્થાનની સામે તેઓ પાંચમા ક્રમે આવ્યા હતા. તેમની સંપત્તિ રૂ.2.50 લાખ કરોડ હોવાનો અંદાજ છે.