FILE PHOTO: REUTERS/Amir Cohen/File Photo
ભારતના અને ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ પ્રીતિપાત્ર ગણાતા ગૌતમ અદાણી અને અદાણી એન્ટરપ્રાઈઝીસ અનેક વિવાદોમાં અવારનવાર ચમકતા રહે છે. ગયા સપ્તાહે અદાણી ગ્રુપ, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે અમેરિકાની કોર્ટે ભારતના કેટલાક રાજ્યોમાં સોલર પાવરના સોદા માટે કરોડો રૂપિયાની લાંચ ચૂકવ્યાના આક્ષેપો સાથેનો કેસ દાખલ કર્યો છે. આ કેસના સમાચારોના પગલે ભારતમાં અદાણી ગ્રુપ ફરી વિવાદોમાં સપડાયું છે. અદાણી ગ્રુપે જો કે, પોતાની સામેનો કેસ સાવ પાયા વગરનો ગણાવી આક્ષેપો નકારી કાઢ્યા છે.
જો કે, અગાઉની માફક જ આ કેસના સમાચાર આવ્યાના દિવસે તો શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. એ પછી તે પાછા ઉંચા ગયા હતા. પણ આ કેસના સમાચારોના પગલે અદાણી ગ્રુપે અમેરિકાની માર્કેટમાંથી બોંડ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના રજૂ થયા પછી પાછી ખેંચી લેવી પડી હતી, એસ એન્ડ પી જેવી અગ્રણી રેટિંગ કંપનીએ તેનું રેટિંગ નેગેટિવ દર્શાવ્યું હતું તો આફ્રિકન દેશ કેન્યામાં અદાણી ગ્રુપને મળવાના સંભવિત બે પ્રોજેક્ટ હવે તેને નહીં આપવા કેન્યાના પ્રેસિડેન્ટે જાહેરાત કરી દીધી હતી. અદાણી ગ્રુપ સાથે એકથી વધુ ક્ષેત્રમાં ભાગીદારી ધરાવતી ફ્રાન્સની કંપની ટોટલ એનર્જીએ પણ જાહેરાત કરી હતી કે કંપની હવે અમેરિકાના લાંચકાંડ કેસમાં અદાણી ગ્રુપ સામે કોઈ આખરી ચૂકાદો આવે નહીં ત્યાં સુધી તે કોઈ નવું મૂડીરોકાણ નહીં કરે.
અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓએ અમેરિકાની બજારમાંથી, અમેરિકાના રોકાણકારો પાસેથી બોંડ વગેરે સાધનો મારફતે ભંડોળ એકત્ર કર્યું છે અને તે માટે તેણે સંબંધિત અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ કરેલી જાહેરાત, આપેલી બાહેંધરીઓનું ઉલ્લંઘન કરીને ભારતના લગભગ ચાર રાજ્યોના સત્તાવાળાઓ સાથે સોલર પાવરની ખરીદીના સોદા કરવા માટે કરોડો રૂપિયાની લાંચ આપી હોવાના પ્રથમદર્શી પુરાવા અમેરિકન તંત્ર પાસે હોવાના પગલે અમેરિકાના સીક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ કમિશનની ફરિયાદના આધારે કેસ દાખલ કરાયો હતો.
અમેરિકાના નિયમો મુજબ લાંચ ચૂકવ્યાનો ગુનો તો ભારતમાં બન્યો હતો, પણ જે તે પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપે અમેરિકાના રોકાણકારો પાસેથી પણ ભંડોળ મેળવ્યું હતું અને તેમાં નિયમભંગ કર્યો હોવાથી અમેરિકાની સરકારને તેની સામે પગલાં લેવાની સત્તા મળે છે.
જો કે, આમાં એક મુદ્દો એવો પણ છે કે, અમેરિકાના સીક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આ કેસના સમન્સ કોઈ વિદેશી નાગરિકને સીધા પાઠવવાની સત્તા નથી તેથી તેણે ડિપ્લોમેટિક ચેનલ્સ મારફતે જ સમન્સ પાઠવવા પડશે.
બીજી તરફ, જે રાજ્ય સરકારનો અધિકારીઓને લાંચ ચૂકવાયાનો કેસમાં દાવો કરાયો છે તે તમામ રાજ્યોમાં જે તે વખતે વિરોધ પક્ષોની – પ્રાદેશિક પક્ષોની સરકારો સત્તામાં હતી, તે સંજોગોમાં ભારતમાં પણ સત્તાધારી ભાજપ અને મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ વચ્ચે આ મુદ્દે શબ્દ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે.

 

અમેરિકાના ન્યાય વિભાગે ભારતીય બિલિયોનેર ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલર (આશરે રૂ.2,100 કરોડ)ની લાંચ આપવાના કથિત ષડયંત્રમાં સંડોવણીના ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપ મૂક્યા છે.

અમેરિકામાં આવા આરોપના સમાચાર બહાર આવ્યા પછી ગુરુવાર, 21 નવેમ્બરે શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં 20 ટકા સુધીનો તોતિંગ ઘટાડો થયો હતો અને ગ્રુપના માર્કેટવેલ્યુમાં રૂ.2.45 લાખ કરોડ (30 બિલિયન ડોલર)નું ધોવાણ થયું હતું. જોકે અદાણી જૂથે સોલર પાવર કોન્ટ્રાક્ટ માટે લાંચ આપવાના આરોપોને કાઢતાં જણાવ્યું હતું કે “અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે અને નકારવામાં આવે છે. આ આરોપો સામે કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે.

ગૌતમ અદાણી અને અન્ય સામે અમેરિકાના ન્યાય વિભાગ ગુનાહિત આરોપો મૂક્યા છે, જ્યારે  યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને પણ ગૌતમ અદાણી અને સાગર અદાણી અને એઝ્યુર પાવરના એક્ઝિક્યુટિવ પર “ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની છેતરપિંડી વિરોધી જોગવાઈઓનું ઉલ્લંઘન” કરવાનો આરોપ મૂક્યો હતો.

ન્યાય વિભાગના આરોપો મુજબ 62 વર્ષીય અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાત સામે 2020 અને 2024ની વચ્ચે ભારત સરકારના અધિકારીઓને સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરથી વધુની લાંચ ચુકવી હતી. આરોપીઓ 20 વર્ષમાં બે અબજ ડોલરનો નફો કમાવવા માટે મોંઘો સોલાર પાવર ખરીદવા માટે આંધ્રપ્રદેશ જેવા રાજ્ય સરકારોના અજાણ્યા અધિકારીઓને લાંચ આપી હતી. નવી દિલ્હીમાં મુખ્યમથક ધરાવતા એઝ્યુર પાવર પણ કથિત લાંચ યોજનામાં સામેલ હતી.

અમેરિકાના કાયદા મુજબ અમેરિકાના રોકાણકારો કે માર્કેટ્સ સાથે કોઇ કનેક્શન હોય તો વિદેશીમાં ભ્રષ્ટાચારના આરોપોમાં કાર્યવાહી કરી શકાય છે.

ગૌતમ અદાણી અદાણી ગ્રુપના ગ્રૂપના ચેરમેન છે, જ્યારે ભત્રીજા સાગર આર અદાણી ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રુપના ભૂતપૂર્વ સીઇઓ વિનીત જૈન સામે સિક્યોરિટી ફ્રોડ, સિક્યોરિટી ફ્રોડ કાવતરુ અને વાયર ફ્રોડ કાવતરાનો આરોપ છે.

યુએસ સત્તાવાળાઓએ કથિત સ્કીમના સંબંધમાં કેનેડિયન પેન્શન ફંડ, CDPQના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓ પર પણ આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેઓએ ઈમેલ ડિલીટ કરીને અને યુએસ સરકારને ખોટી માહિતી પૂરી પાડવા માટે સંમત થઈને લાંચની તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો.ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરતી CDPQ અદાણી કંપનીઓમાં શેરહોલ્ડર છે.

કોર્ટ દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર ખાસ કરીને, 17 માર્ચ, 2023ના રોજ FBI વિશેષ એજન્ટોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં સાગર અદાણીનો સંપર્ક કર્યો હતો અને ન્યાયિક રીતે અધિકૃત સર્ચ વોરંટને આધારે તેમના કબજાના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની કસ્ટડી લીધી હતી. કેટલાક કાવતરાખોરોએ ગૌતમ અદાણીને “ન્યુમેરો યુનો” અને “ધ બિગ મેન” કોડ નામો સાથે ખાનગી રીતે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેમના ભત્રીજાએ કથિત રીતે લાંચ વિશેની વિગતો જાણવા માટે તેમના સેલફોનનો ઉપયોગ કર્યો હતો.

 

LEAVE A REPLY