શુક્રવાર તા. 22ના રોજ ગેટવિક એરપોર્ટ પર પેસેન્જરના સામાનમાંથી શંકાસ્પદ પ્રતિબંધિત વસ્તુ મળી આવ્યા બાદ સસેક્સ પોલીસે તેની “એક્સપ્લોસીવ ઓર્ડીનન્સ ડીસ્પોઝલ (EOD) ટીમને તૈનાત કર્યા બાદ સાઉથ ટર્મિનલ બિલ્ડિંગને ચાર કલાકથી વધુ સમય માટે નવા મુસાફરો માટે બંધ કરવામાં આવ્યું હતું. પોલીસે શુક્રવારે બપોરે જાહેરાત કરી હતી કે પોલીસે તેમની તપાસ પૂર્ણ કરી છે અને EOD ટીમના અધિકારીઓએ પેકેજને સુરક્ષિત બનાવ્યું છે.

પોલીસે સિક્યોરિટી એલર્ટને ક્લીયર કરાયા બાદ બપોરે 3 વાગ્યાની આસપાસ ફરી ટર્મિનલને પેસેન્જર્સ માટે ખોલ્યું હતું. પોલીસે પૂછપરછ બાદ અટકાયત કરાયેલા બે લોકોને તેમની મુસાફરી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

યુકેના બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટ પર શંકાસ્પદ પેકેજ બાબતે શુક્રવારે સવારે 8.20 વાગ્યે પોલીસ બોલાવવામાં આવી હતી. સિકયુરીટી ચેક ક્લીયર નહિં કરનાર મુસાફરોને સવારે 10.30 વાગ્યાની આસપાસ અન્ય ટર્મિનલ પર સ્થળાંતર કરવું પડ્યું હતું.

આ ચેતવણીને કારણે કેટલીક ફ્લાઇટ વિલંબ અને રદ કરવામાં આવી હતી. શુક્રવારે લગભગ 100,000 મુસાફરો એરપોર્ટ દ્વારા મુસાફરી કરવાના હતા. બ્રિટિશ એરવેઝ દ્વારા ઓછામાં ઓછી 16 ડીપાર્ટર અને લેન્ડીંગ કરનાર 12 સહિત સાઉથ ટર્મિનલ પરની સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

સ્ટાફ અને પ્રવાસીઓની સલામતી માટે એક સુરક્ષા કોર્ડન કરવામાં આવી હતી અને ટર્મિનલની આસપાસના કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર સેવા આપતી ટ્રેન અને બસ સેવાઓને પણ અસર થઈ હતી.

લંડનના નાઈન એલ્મ્સમાં યુએસ એમ્બેસી નજીક નિયંત્રિત વિસ્ફોટ કરાયો

અન્ય એક બનાવમાં શુક્રવારે સવારે થેમ્સ નદીના કાંઠે સાઉથ લંડનના નાઈન એલ્મ્સમાં યુએસ એમ્બેસી વિસ્તારમાં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા નિયંત્રિત વિસ્ફોટ કરાયો હતો. મેટ્રોપોલિટન પોલીસે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે ખાતરી આપીએ છીએ કે થોડા સમય પહેલા આ વિસ્તારમાં નોંધાયેલ ‘મોટો ધડાકો’ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલો નિયંત્રિત વિસ્ફોટ હતો.”

LEAVE A REPLY