પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુમ્ભમાં ગંગા નદીના જળની શુદ્ધતાને સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ અંગે જાણીતા વૈજ્ઞાનિક અને પદ્મશ્રીથી સન્માનિત ડો. અજય સોનકરે ગંગાના પાણીને ફક્ત સ્નાન યોગ્ય જ નહીં, પરંતુ અલ્કલાઈન વોટર જેટલું શુદ્ધ હોવાનો દાવો કર્યો છે. ગંગાના નદીના વિવિધ પાંચ ઘાટોના પાણીને લેબોરેટરીમાં ચકાસ્યા પછી ડો. સોનકરે આ દાવો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, મહાકુંભમાં 57 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગામાં સ્નાન કર્યું હોવા છતાં તેની શુદ્ધતા જળવાઇ રહી છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની સાથે વૈજ્ઞાનિક ચર્ચા કરી ચૂકેલા ડો.અજય સોનકરે કહ્યું કે તેમણે પોતાની નૈનીસ્થિત લેબોરેટરીમાં ગંગા નદીના પાણીનો ટેસ્ટ કર્યો છે. આ સાથે ગંગાજળની શુદ્ધતા પર પ્રશ્નો કરનારાઓને લેબોરેટરીમાં તપાસનો પડકાર ફેંક્યો અને કહ્યું કે જે લોકોને જરા પણ પણ શંકા હોય, એ મારી સામે ગંગાજળ લાવે અને અમારી પ્રયોગશાળામાં તપાસ કરીને તેનો સંતોષ મેળવે.
ડો. સોનકરે કહ્યું છે કે સતત ત્રણ મહિનાના સંશોધન દરમિયાન આ સાબિત કર્યું છે કે ગંગાજળ સૌથી શુદ્ધ છે. સંગમમાં સ્નાન કરવામાં કોઇ નુકસાન થઈ શકે નહીં.
પ્રયોગશાળામાં ગંગા જળના નમૂનાઓને 14 કલાક સુધી ઈન્ક્યુબેશન તાપમાન પર રાખ્યા પછી પણ તેમાં કોઈ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ નથી. આ સાથે ડો.સોનકરે કહ્યું કે, ગંગા જળ ફક્ત સ્નાન માટે સુરક્ષિત છે એવું નથી, પરંતુ ગંગાજળના સંપર્કમાં આવવાથી ચામડી સંબંધિત રોગ પણ થતા નથી. કુમ્ભ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓના સ્નાન છતાં જળમાં બેક્ટેરિયા વધ્યા નથી અને પીએચ સ્તરમાં કોઇ ઘટાડો થયો નથી. આ સંશોધનમાં જાણવા મળ્યું કે ગંગાજળમાં 1100 પ્રકારના બેક્ટીરિયોફેજ છે, જે કોઈ પણ હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરી નાખે છે. જેના કારણે ગંગાજળ દૂષિત થયું નથી.

LEAVE A REPLY