ગુજરાતમાં નકલી સરકારી ઓફીસ, નકલી જજ, નકલી ટોલ બૂથ, નકલી કોર્ટ જેવા એક પછી એક ‘નકલી કૌભાંડ’નો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે હવે સુરતમાં નકલી મેડિકલ ડિગ્રી આપતા ગેંગ ઝડપાઈ છે. પોલીસે આ ગેંગ પર કાર્યવાહી કરીને 14 નકલી ડોક્ટર્સને પણ ઝડપી લીધાં છે. આ ગેંગ રૂ.70,000 સુધીની રકમ વસૂલીને નકલી ડિગ્રી આપતી હતી.
સુરત પોલીસે જણાવ્યું કે આરોપીઓના ક્લિનિક્સમાંથી એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓ, ઈન્જેક્શન, સિરપની બોટલો અને પ્રમાણપત્રો મળી આવ્યા છે. ત્રણ આરોપીઓ 70,000 રૂપિયામાં નકલી BEMS ડિગ્રી વેચતા હતા. મુખ્ય આરોપીઓની ઓળખ સુરતના રહેવાસી રમેશ ગુજરાતી, અમદાવાદના રહેવાસી બીકે રાવત અને તેમના સહયોગી ઈરફાન સૈયદ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ‘બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન, અમદાવાદ’ની આડમાં કૌભાંડ ચલાવવામાં આવતું હતું.
પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપીને જાણવા મળ્યું હતું કે ભારતમાં ઇલેક્ટ્રો-હોમિયોપેથી સંબંધિત કોઈ નિયમો નથી અને તેને આ કોર્સમાં ડિગ્રીઓ ઓફર કરવા માટે એક બોર્ડ સ્થાપવાની યોજના બનાવી હતી. તેને પાંચ લોકોને રાખ્યા હતા અને તેમને ઈલેક્ટ્રો-હોમિયોપેથીમાં તાલીમ આપી હતી. અને તેઓએ ત્રણ વર્ષથી ઓછા સમયમાં કોર્સ પૂરો કર્યો કર્યો હતો. તેમને ઈલેક્ટ્રો-હોમિયોપેથી દવાઓ કેવી રીતે લખવી તે અંગેની તાલીમ અપાઈ હતી.
