(PTI Photo)
ઇટલીના અપુલિયા રિજનના બોર્ગો એગ્નાઝિયા (ફાસાનો) ખાતે 13-15 જૂન 2024ના રોજ યોજાયેલી સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપ (G7)ની શિખર બેઠકમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) સહિત મોટા માળખાકીય પ્રોજેક્ટ્સને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. સંયુક્ત નિવેદનમાં કાયદાના શાસન પર આધારિત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક માટે G7ની પ્રતિબદ્ધતાનો પણ પુનરુચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ યજમાન ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર G7 સમિટમાં હાજરી આપી હતી અને આઉટરીચ સેશનમાં સંબોધન કરીને ટેકનોલોજી પરની મોનોપોલી ખતમ કરવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ વિશ્વને  ‘AI ફોર All’નો મંત્ર પણ આપ્યો હતો.
સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી યુકેના સમકક્ષ ઋષિ સુનક, ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન, યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રો સહિતના વૈશ્વિક નેતાઓને મળ્યાં હતાં.
જી-7 સમિટમાં રશિયાની  ટાંચમાં લેવાયેલી સંપત્તિને આધારે યુક્રેનને $50 બિલિયનની લોન આપવા સંમતી સધાઈ હતી. જોકે રશિયાએ જણાવ્યું હતું કે આવી હિલચાલ ગુનાહિત હશે અને અમારી પ્રતિક્રિયા દુઃખદાયક હશે.
આઉટરીચ સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી પરની ઇજારાશાહીનો અંત લાવવાનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે સર્વસમાવેશક સમાજનો પાયો નાખવા માટે ટેકનોલોજીને સર્જનાત્મક બનાવવી જોઈએ. આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને ‘AI ફોર All’નો મંત્ર પણ આપ્યો હતો.
મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વિશેષ ભાર સાથે ટેક્નોલોજીમાં એકાધિકારને સમાપ્ત કરવાના મહત્વ પર વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણે ટેક્નોલોજીને સર્જનાત્મક બનાવવી જોઈએ, વિનાશક નહીં. આ પછી જ આપણે સર્વસમાવેશક સમાજનો પાયો નાંખી શકીશું.
ભારત આવા માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા વધુ સારા ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડનારા વિશ્વના કેટલાંક પ્રથમ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.આ વ્યૂહરચનાને આધારે અમે આ વર્ષે AI મિશન શરૂ કર્યું છે. તેનો મૂળ મંત્ર ‘AI ફોર All’ છે. AI માટે વૈશ્વિક ભાગીદારીના સ્થાપક સભ્ય અને લીડ ચેર તરીકે અમે તમામ દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથના દેશો વિશ્વભરમાં અનિશ્ચિતતા અને તણાવનો માર સહન કરી રહ્યા છે. ગ્લોબલ સાઉથના દેશોની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને વિશ્વ મંચ પર મૂકવાની ભારતે પોતાની જવાબદારી માની છે. આ પ્રયાસોના ભાગરૂપે અમે આફ્રિકાને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. અમને ગર્વ છે કે ભારતની અધ્યક્ષતા યોજાયેલી G-20એ આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય બનાવ્યું છે. ભારત આફ્રિકાના તમામ દેશોના આર્થિક અને સામાજિક વિકાસ, સ્થિરતા અને સુરક્ષામાં યોગદાન આપી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે.
ઊર્જાના મુદ્દે વડાપ્રધાન જણાવ્યું હતું કે ઉર્જા ક્ષેત્રે ભારતનો અભિગમ પણ ચાર સિદ્ધાંતો પર આધારિત છે. આ સિદ્ધાંતો ઉપલબ્ધતા, સુલભતા, પોષણક્ષમતા અને સ્વીકાર્યતાનો સમાવેશ થાય છે. અમે 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે શક્ય દરેક પ્રયાસો કરી રહ્યા છીએ. આપણે સાથે મળીને આવનારા સમયને હરિયાળો યુગ બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

LEAVE A REPLY