• પ્રમોદ થોમસ દ્વારા

મુક્ત વેપાર કરાર (FTA) અંગે બે દિવસીય ચર્ચાઓનું નેતૃત્વ કરવા ભારત ગયેલા યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે તા. 25ના રોજ ગરવી ગુજરાતને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’આ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાયેલી યુકે અને ભારત વચ્ચેની મુક્ત વેપાર કરાર (FTA) અંગે થયેલી ચર્ચાઓ અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે અને વેપાર કરાર સુરક્ષિત કરવો એ બ્રિટિશ સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે.’’

રેનોલ્ડ્સે FTA સુરક્ષિત કરવા માટે બંને પક્ષો દ્વારા સમાધાન કરવાનો સંકેત આપ્યો હતો જે બંને દેશો માટે “ખરેખર ફાયદાકારક” છે.

રેનોલ્ડ્સે ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’ભારત એક એવો દેશ છે જેની સાથે સૌ ભાગીદાર બનવા માંગે છે. પરંતુ યુકે તેમ કરવા માટે ખરેખર સારી સ્થિતિમાં છે. કારણ કે, સૌ પ્રથમ, અમારી પાસે ખૂબ જ પૂરક અર્થતંત્રો છે. અમારી પાસે દેખીતી રીતે 1.8 મિલિયન ભારતીય વારસો ધરાવતા લોકોનો અદ્ભુત જીવંત પુલ છે. દરેક દેશમાં સેવાઓ અને રોકાણની વાત આવે ત્યારે તે વેપાર સંબંધો છે. અમે પહેલાથી જ ખૂબ જ મજબૂત સ્થિતિથી શરૂઆત કરીએ છીએ અને મહત્વપૂર્ણ એ છે કે અમે તેને ઉચ્ચ સ્તરે લઈ જવા માંગીએ છીએ. હું કહીશ કે અહીં મિનિસ્ટર ગોયલ સાથે મારો ખૂબ જ મજબૂત સંબંધ છે, જેઓ એક કુશળ વેપાર મંત્રી છે અને તેમણે ઘણા સોદા જોયા છે. તેથી, અમે કરારને આગળ વધારવા માટે ખરેખર સારી જગ્યાએ છીએ.”

રેનોલ્ડ્સે કહ્યું હતું કે “ફક્ત એક વ્યવહારિક સરકાર જ બ્રિટિશ જનતા અને બિઝનેસીસને લાયક આર્થિક વિકાસ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે, જે પરિવર્તન યોજનાને પૂર્ણ કરીને પ્રાપ્ત થાય છે. ભારત સાથેની અમારી વેપાર વાટાઘાટોમાં વૃદ્ધિ માર્ગદર્શક સિદ્ધાંત રહેશે અને હું આ ગતિશીલ બજારમાં ઉપલબ્ધ તકો વિશે ઉત્સાહિત છું.”

હાલમાં ભારત અને યુકે FTA, દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) અને ડબલ ટેક્સેશન એવોઇડન્સ કરાર માટે વાટાઘાટોમાં સક્રિયપણે રોકાયેલા છે ત્યારે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ‘’આ કરાર પથવર્તી હશે અને આગામી 10 વર્ષમાં આપણા વર્તમાન $20 બિલિયનના દ્વિપક્ષીય વેપારને કદાચ બે કે ત્રણ ગણો વધારવાની વિશાળ તકો પૂરી પાડશે. FTA અંગે બંને દેશોમાં ઉત્સાહ છે અને આગળ જતાં, આપણા વેપાર સંબંધો વધુ મજબૂત બનશે.”

દિલ્હીના નેશનલ ક્રાફ્ટ મ્યુઝિયમની સંયુક્ત મુલાકાત સાથે વાટાઘાટો શરૂ થઈ હતી અને રેનોલ્ડ્સ અને ગોયલે ગુરુગ્રામમાં બીટી ઇન્ડિયાના કાર્યાલયની મુલાકાત લીધી હતી. જે ભારતમાં સૌથી મોટી યુકે એમ્પલોયર કંપની છે.

દરમિયાન, ઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી પોપી ગુસ્તાફસને ભારતીય બિઝનેસીસને યુકેમાં રોકાણ કરવા આકર્ષવા માટે મુંબઈ અને બેંગલુરુમાં રોકાણકારોને સંબોધિત કર્યા હતા.

રેનોલ્ડ્સે શ્રી ગોયલ સાથેની વાતચીત પૂર્ણ કર્યા પછી કહ્યું હતું કે ‘’કન્ઝર્વેટિવ સરકારે વેપાર સોદો અમલમાં મૂકવાનું વચન આપ્યા છતાં તેનું પાલન કર્યું નહતું. અમે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. હું જાણું છું કે આ બાબતો પર સમયરેખામાં હંમેશા ખૂબ રસ હોય છે, અને તેને યોગ્ય રીતે બનાવવી એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. પ્રગતિશીલ બાબતોના સંદર્ભમાં ખરેખર અમારી શાનદાર વાતચીત થઈ છે.”

ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના શાસનકાળમાં FTA  દિવાળી સુધીમાં પૂર્ણ થશે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ તે સમયમર્યાદા પૂરી થઈ ન હતી અને ત્યારબાદ યુકેના નેતાઓએ સોદાની ગુણવત્તા પર ભાર મૂક્યો હતો.

વ્યાપક સોદો મેળવવામાં ઉભા થતા પડકારો વિશે રેનોલ્ડ્સે કહ્યું હતું કે “જ્યાં સુધી અમે આખી બાબત પાર ન કરીએ ત્યાં સુધી હું ખૂબ ચોક્કસ નહીં કહું. પરંતુ કોઈપણ સોદામાં બન્ને બાજુના પ્રશ્નો અને સંવેદનશીલતાઓ વિશે ચિંતાઓનો સમાવેશ થાય છે. વાત એ છે કે શું આપણે તે સ્થિતિમાં પહોંચવા માટે બંને બાજુ થોડુ આપવા અને લેવા તૈયાર છીએ? મને લાગે છે કે રાજકીય ઈચ્છાશક્તિ અસ્તિત્વમાં છે, અને મારું માનવું છે કે અમે એવી સ્થિતિમાં પહોંચી શકીએ છીએ જ્યાં આપણે બંને દેશોના લોકોને ખરા અર્થમાં કહી શકીએ કે આનાથી તમને સારું લાગશે અને જીવનમાં ફરક પડશે.  જ્યારે બે અર્થતંત્રો મોટા અને મહત્વપૂર્ણ હોય છે, ત્યારે બાબતોને સુધારવા માટે તમારે થોડો સમય કાઢવો પડે છે. પરંતુ હું ભારતમાં મારા સ્થાનથી આશાવાદી છું, અને હું ખરેખર બાબતોને વધુ આગળ વધારવા માટે આતુર છું.”

તેમણે કહ્યું હતું કે ‘’અમે આ નવા તબક્કામાં, યુકે-ભારત સંબંધોના આ નવા યુગમાં રહેવા માંગીએ છીએ. વડાપ્રધાને આ વાત કહી છે. તેથી, આ યાત્રા પર હું અહીં જે કાર્ય કરી રહ્યો છું તે એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તે વ્યાપક ચિત્રનો માત્ર એક ભાગ છે. દરેક દેશમાં નોન-ડોમ માટે સિસ્ટમ હોય છે, અને અમે તે વૈકલ્પિક સિસ્ટમ મૂકીશું. મને લાગે છે કે ટ્રેઝરી અને ચાન્સેલરે જે જોગવાઈઓ રજૂ કરી છે તે એ છે કે તમે તમારી વિદેશી આવક યુકેના કરવેરામાં ન આવતા ચાર વર્ષ સુધી યુકેમાં રહી શકો છો અને વારસાગત કર અમલમાં આવે તે પહેલાં 10 વર્ષ સુધી યુકેમાં રહી શકો છો. પણ અમે હંમેશા કહ્યું છે કે જો તમે યુકેને લાંબા ગાળા માટે ઘર બનાવો છો, તો તમારે અન્ય લોકો જેવા જ કર શાસનને આધીન રહેવું જોઈએ. એ સમજવું જોઈએ કે યુકે આવવા માંગતા લોકો માટે અમારી પાસે એક આકર્ષક ઓફર છે.”

હાલમાં, ભારત અને યુકે વૈશ્વિક સ્તરે અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સૌથી મોટા અર્થતંત્ર તરીકે સ્થાન ધરાવે છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2023-24માં વધીને £16.8 બિલિયન થયો હતો, જે પાછલા નાણાકીય વર્ષમાં £૧૬ બિલિયન હતો.  એપ્રિલ 2000 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે કુલ £27.8 બિલિયનના FDI પ્રવાહ સાથે યુકે ભારતમાં છઠ્ઠા ક્રમનું મુખ્ય રોકાણકાર છે.

FTA માટેની વાટાઘાટો એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અમેરિકાના તમામ વેપાર ભાગીદારો પાસેથી આયાતી માલ પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

LEAVE A REPLY