ભારત અને યુકેની FTA માટેની વાટાઘાટો ફરી શરૂ થઇ રહી છે ત્યારે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે ‘’સારો કરાર લાંબા ગાળાના ભવિષ્ય માટે હોય છે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય છે. તેથી આપણે કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી જોઈએ. આ કરાર “પથપ્રદર્શક” હશે અને આગામી 10 વર્ષમાં આપણા વર્તમાન 20 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારને કદાચ બે કે ત્રણ ગણો વધારવાની વિશાળ તકો પૂરી પાડશે. બંને દેશો FTA, BIT, અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન એગ્રીમેન્ટ ક્ષેત્રે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યા છે અને ત્રણેય સમાંતર અને એકબીજા સાથે જોડાયેલા છે. મને લાગે છે કે યુકે અને ભારત વચ્ચે બિઝનેસીસને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવાની વધુ સુગમતા અને ક્ષમતા છે.”
ગોયલે યુકેના ટ્રેડ મિનિસ્ટર રેનોલ્ડ્સની હાજરીમાં પત્રકારોને કહ્યું હતું કે ‘’ઇમિગ્રેશન ક્યારેય વેપાર વાટાઘાટોનો ભાગ રહ્યું નથી અને ભારતે કોઈપણ FTA વાટાઘાટોમાં ઇમિગ્રેશનની ક્યારેય ચર્ચા કરી નથી. પણ FTAના ભાગ રૂપે નવી તકો ખુલતા બિઝનેસ વિઝાની જરૂર પડશે. તેથી મને તેમાં કોઈ મુશ્કેલી દેખાતી નથી. વ્યાપાર ગતિશીલતા ઇમિગ્રેશનથી “અલગ મુદ્દો” છે. તાજેતરના વર્ષોમાં, ભારતે યુએસ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે આવા કરારો પર હસ્તાક્ષર કર્યા છે.’’
આ વાટાઘાટો ફરી શરૂ કરવાનો હેતુ એવા મુદ્દાઓને સંબોધવાનો રહેશે જે હજુ સુધી ઉકેલાયા નથી. ભારતીય ઉદ્યોગ યુકે બજારમાં આઇટી અને હેલ્થકેર જેવા ક્ષેત્રોના કુશળ પ્રોફેશનલ્સ માટે વધુ પ્રવેશની માંગ કરી રહ્યો છે, ઉપરાંત શૂન્ય કસ્ટમ ડ્યુટી તથા અનેક માલ માટે બજારનો ઍક્સેસ પણ માંગે છે.
બીજી બાજુ, યુકે સ્કોચ વ્હિસ્કી, ઇલેક્ટ્રિક વાહનો, લેમ્બ મીટ, ચોકલેટ અને અમુક કન્ફેક્શનરી આઇટમ્સ પર આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે. બ્રિટન ભારતીય બજારોમાં ટેલિકોમ્યુનિકેશન, કાનૂની અને બેંકિંગ અને વીમા સહિતની નાણાકીય સેવાઓમાં વધુ તકો શોધી રહ્યું છે.
ભારત તરફથી 27 દેશોના બ્લોક યુરોપિયન યુનિયન સાથે પણ વાતચીત આગળ વધી રહી છે. EU ટીમ 28 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહી છે.
ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2023-24માં વધીને USD 21.34 બિલિયન થયો છે જે 2022-23માં USD 20.36 બિલિયન હતો. બ્રિટન ભારતમાં છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર છે. એપ્રિલ 2000 અને સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશને 35.3 બિલિયન ડોલરનું FDI મળ્યું છે.
