ભાજપે રવિવારે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાને તરીકે જે સરકારી નિવાસ્થાનમાં રહેતા હતા તેની માલસામાનની યાદી જારી કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે કેજરીવાલે સરકારના જંગી ભંડોળનો ઉપયોગ કરીને પોતાના નિવાસસ્થાને ‘શીશમહેલ’ બનાવ્યું હતું. કેજરીવાલે આ વૈભવી બંગલો ખાલી કર્યા પછી હાઇટેક ટોઇલેટ સીટ સહિત અનેક સામાન ગુમ થયો છે.
આ વિવાદાસ્પદ બંગલાના સામાનની બહાર આવેલી યાદી મુજબ આ મુખ્યપ્રધાન નિવાસસ્થાનનો કુલ બિલ્ટ-અપ એરિયા 21,000 ચોરસ ફૂટ છે. કેજરીવાલે આ બંગલાને વૈભવી બનાવવા માટે જંગી ખર્ચ કરીને તેનું રિવોનેશન કર્યું હતું. ઉદાહરણ તરીકે મોટર વડે ચલાવવામાં આવતા બારીના પડદા પાછળ રૂ.4થી 6 કરોડનો ખર્ચ કરાયો હતો. 64 લાખની કિંમતના 16 અત્યાધુનિક ટીવી મૂકવામાં આવ્યા હતા. તેમાં રૂ.10 લાખના રિક્લાઇનર સોફા, રૂ.19.5 લાખની સ્માર્ટ એલઇડી ટર્નટેબલ ડાઉનલાઇટ પણ છે. આ ઉપરાંત તેના કિચનમાં રૂ.9 લાખ સુધીનું એક ઓવન છે. સુપિરિયર વોટર સપ્લાય અને સેનિટરી ઇન્સ્ટોલેશન માટે રૂ.15 કરોડનો ખર્ચ કરાયો હતો અને 36 લાખના ડેકોરેટિવ પિલર ઊભા કરાયા હતાં. ટોયલેટ સીટ રૂ.10-12 લાખની નાંખવામાં આવેલી છે.
કેજરીવાલે મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યા પછી આ બંગલો ખાલી કર્યો હતો. જોકે તે સમયે પણ વિવાદ ઊભો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાનની યાદી તૈયાર કર્યા પછી આ વિવાદાસ્પદ બંગલો વિધિવત રીતે આતિશીને ફાળવવામાં આવ્યો છે. અગાઉ તેમને બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવ્યાં હતા.