જમ્મુ અને કાશ્મીરમાં મોદી સરકારે 2019માં કલમ 370 નાબૂદ કરી દીધી છે, પરંતુ તે અંગેનો વિવાદ હજુ યથાવત છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના પહેલા જ સત્રમાં કલમ 370 અને 35એ મુદ્દે હોબાળો શરૂ થયો હતો. સ્થાનિક પક્ષો પીડીપી અને નેશનલ કોન્ફરન્સમાં આ મુદ્દે ક્રેડિટ લેવા માટે હોડ મચી હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભા સત્ર સોમવારથી શરૂ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં કલમ 370 ફરી લાગુ કરવા પીડીપી, નેશનલ કોન્ફરન્સ પછી ઇત્તેદાહ પાર્ટી મેદાને પડી છે. જોકે કલમ 370 અને 35એને ફરી લાગુ કરવાનો ઠરાવ પસાર કરીને નેશનલ કોન્ફરન્સે સંઘર્ષને આમંત્રણ આપ્યું છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370ની બહાલીના પ્રસ્તાવ મામલે હંગામો ચાલુ થયો હતો. ગુરુવારે ત્રીજા દિવસે વાત એટલી હદે વણસી ગઈ કે ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કા બાદ છુટા હાથે મારામારી થઈ હતી જેમાં ભાજપના 3 ધારાસભ્યને ઈજા પહોંચી હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સદનને થોડીવાર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. વિધાનસભાની સ્થિતિ એવી થઇ ગઇ છે કે માર્શલને બચાવવા માટે વચ્ચે આવવું પડ્યું હતું. વિધાનસભામાં હંગામો કરી રહેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યોને માર્શલોએ બહારનો રસ્તો બતાવ્યો હતો.