ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ ખાતેના કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે ઝેરી ધુમાડો શ્વાસમાં લેવાથી રવિવારે ચાર કામદારોના મોત થયા હતાં. શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) ના પ્રોડક્શન યુનિટમાં પાઇપમાંથી નીકળતા ઝેરી ધુમાડાને શ્વાસમાં લીધા બાદ પીડિતો બેભાન થઈ ગયા હતાં.
તેઓને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણનું રવિવારે સવારે 3 વાગ્યે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એકનું સવારે 6 વાગ્યે મૃત્યુ થયું હતું.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં અને ઘટનાની વધુ તપાસ ચાલુ કરાઈ હતી.
પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ રાજેશ કુમાર (મૂળ ગુજરાત), મુદ્રિકા યાદવ (ઝારખંડ), સુશિત પ્રસાદ અને મહેશ નંદલાલ (બંને ઉત્તર પ્રદેશના) તરીકે કરવામાં આવી હતી.જીએફએલ, દહેજ, ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે અને મૃતક કામદારોના દરેક પરિવારને રૂ. 25 લાખનું વળતર ચૂકવવામાં આવશે.