સ્વિત્ઝરલેન્ડની એક કોર્ટે ગયા સપ્તાહે હિન્દુજા પરિવારના ચાર સભ્યો – કમલ અને પ્રકાશ હિન્દુજા તથા નમ્રતા અને અજય હિન્દુજાને તેમના ઘરમાં કામ કરતા નોકરોના શોષણના કેસમાં દંડ અને કેદની સજા ફરમાવ્યા પછી પરિવારે આ ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકારતાં ઉપલી કોર્ટે તેમની સામેનો હ્યુમન ટ્રાફિકિંગનો તો કેસ કેસ જ બનતો નહીં હોવાનું જણાવ્યું હતું અને કેદની સજા તાત્કાલિક સ્થગિત કરવાનો હુકમ કર્યો હતો.
ઉપલી કોર્ટે એવી ટકોર કરી હતી કે, સ્વિસ કાયદાઓ અનુસાર સર્વોચ્ચ ન્યાયિક સત્તાધિકારી દ્વારા આખરી ચૂકાદો અપાય અને તે અમલમાં આવે ત્યાં સુધી સંબંધિત વ્યક્તિ નિર્દોષ હોવાની અવધારણા રહે છે.
હિન્દુજા પરિવારે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની સામેના કેસમાં હવે કોઈ ફરિયાદી જ રહ્યા નથી, કથિત ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, તેમની પાસે એવા સ્ટેટમેન્ટ ઉપર સહીઓ લેવામાં આવી હતી, કે જેની ભાષા તેમને સમજાતી પણ નહોતી, તેમના સ્ટેટમેન્ટના આધારે જે પ્રકારની કાર્યવાહી હિન્દુજા પરિવારના સભ્યો સામે કરાઈ હતી, તેવી કાર્યવાહી કરવાનો તેમનો કોઈ જ ઈરાદો નહોતો. એ ઘરનોકરોના જણાવ્યા મુજબ હિન્દુજા પરિવારના સભ્યોનું વર્તન તેમના પ્રત્યે આદર અને સન્માનભર્યું, પરિવારના સભ્યો જેવું હતું.
