અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સંડોવતા એક ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોના શુક્રવારે મોત થયા હતાં. મૃતકો કારપૂલિંગ એપ દ્વારા કનેક્ટ થયા હતાં અને આ દુર્ઘટના સર્જાઈ ત્યારે તેઓ અર્કાન્સાસમાં બેન્ટનવિલે જઈ રહ્યા હતાં. આ અકસ્માતને કારણે તેઓ જે એસયુવીમાં હતા તેમાં આગ લાગી અને તેમના શરીર બળીને ખાખ થઈ ગયા હતાં. સત્તાવાળાઓ તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કર્યાં હતાં.
મૃતકોની ઓળખ આર્યન રઘુનાથ ઓરમપતિ, ફારૂક શૈખ, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવન તરીકે થઈ હતી. ઓરમપતિ અને તેનો મિત્ર ફારુખ શૈખ ડલાસમાં તેમના પિતરાઈ ભાઈની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. લોકેશ પલાચરલા તેમની પત્નીને મળવા બેન્ટનવિલે જઈ રહ્યાં હતો. ધર્મિની વાસુદેવને ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂરું કર્યું હતું અને યુએસમાં નોકરી કરી હતી, તે બેન્ટનવિલેમાં તેના કાકાને મળવા જતી હતી. તેઓ કારપૂલિંગ એપ દ્વારા કનેક્ટ થયા અને આનાથી અધિકારીઓને તેમને ઓળખવામાં મદદ મળી હતી.
આ દુર્ઘટના 5 કાર એકબીજા સાથે અથડાવાથી થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં એક કારમાં ભીષણ આગ લાગી હતી અને તેમાં સવાર ચાર લોકોને બહાર કાઢી શકાયા નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, એક ફાસ્ટ ટ્રકે પાછળથી SUV કારને ટક્કર મારી હતી, જેમાં આ ચારેય ભારતીય મુસાફરી કરી રહ્યા હતા. વાહનમાં આગ લાગવાને કારણે એમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો જીવતા ભડથું થયા હતા.
ઓરમપતિના પિતા સુભાષ ચંદ્ર રેડ્ડી હૈદરાબાદ સ્થિત મેક્સ એગ્રી જેનેટિક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીના માલિક છે. આર્યને કોઈમ્બતુરમાં અમૃતા વિશ્વ વિદ્યાપીઠમમાં એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી હતી.ઓરમપતિનો મિત્ર શૈખ પણ હૈદરાબાદનો હતો અને બેન્ટનવિલેમાં રહેતો હતો. તમિલનાડુની દર્શિની ફ્રિસ્કો, ટેક્સાસમાં રહેતી હતી.
યુ.એસ.માં લાંબા વીકએન્ડને કારણે ઓળખ પ્રક્રિયામાં વિલંબ થયો હતો જેના કારણે પીડિતોના પરિવારોની વેદના લંબાઇ હતી.