
કેનેડામાં 28મી એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતી મૂળના 4 ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમાં જયેશ બ્રહ્મભટ્ટ, સંજીવ રાવલ, અશોક પટેલ અને મિનેશ પટેલનો સમાવેશ થાય છે.
પીપલ્સ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા જયેશ બ્રહ્મભટ્ટ સિવિલ એન્જિનિયર હતા અને હવે રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે. તેઓ વર્ષ 2001માં ગુજરાતથી કેનેડા આવ્યા હતા. તેમનું કહેવું છે કે, ઘણા લોકો પરિવર્તન ઈચ્છે છે અને એ આશા સાથે જ તેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. તેમના માટે રાજકારણમાં આવવાનો અર્થ માત્ર વિચારોની વાત નથી, પરંતુ હવે કેનેડાના રાજકીય પક્ષો ભારતીયોને એક મહત્વપૂર્ણ સમુદાય માનવા લાગી છે. ગુજરાતી જેવા સમુદાયને
હવે રાજકારણમાં પોતાના અવાજ ઉઠાવવાની તક મળી રહી છે અને તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ.
લિબરલ પાર્ટી તરફથી કેલગરી મિડનાપોર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સંજીવ રાવલનો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો અને છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી કેનેડાના કેલગરી શહેરમાં રહે છે. તેઓની પોતાની માલિકીના સ્ટોર્સની ચેઈન ચલાવે છે. તેમણે જણાવ્યું કે કેનેડાને ઈમિગ્રન્ટ્સની જરૂર છે, પરંતુ તેમાં સંતુલન હોવું જોઈએ.
અશોક પટેલ એડમોન્ટન શેરવુડ સીટ પરથી અને મિનેશ પટેલ કેલગરી સ્કાઈવ્યૂ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આ બંને રાજકીય નેતા નથી. તેઓ ઈમિગ્રન્ટ્સ તરીકે કેનેડા આવ્યા હતા અને અહીં પોતાનો બિઝનેસ ઊભો કર્યો, પછી કોમ્યુનિટીસ સાથે જોડાયાં અને હવે કેનેડાની નીતિઓને વધુ સારી બનાવવા માટે રાજકારણમાં આવ્યા છે.
મૂળ આણંદના મિનેશ પટેલ એક સફળ રિયલ એસ્ટેટ એજન્ટ છે. થોડા સમય પહેલા કન્ઝર્વેટિવ પાર્ટીએ એટોબિકોક નોર્થ સીટ પરથી તેમની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. પરંતુ આ સપ્તાહની શરૂઆતમાં પાર્ટીએ તેમને પડતા મૂક્યા હતા.કેનેડામાં 1 લાખથી વધુ ગુજરાતીઓ રહે છે. ટોરન્ટો, મોન્ટ્રીલ, ઓટાવા, કેલગરી અને વેનકુવરમાં તો ગુજરાતીઓની ખાસ્સી સંખ્યા છે.
