અમેરિકાના 39મા પ્રેસિન્ટ અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જિમી કાર્ટરનું જોર્જિયાના પ્લેઇન્સ શહેરમાં તેમના ઘરે રવિવારે અવસાન થયું હતું. કાર્ટરનું 100 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેઓ યુએસના ઈતિહાસમાં સૌથી લાંબું આયુષ્ય ધરાવતા પ્રેસિડન્ટ બન્યાં હતાં. કાર્ટર તેમના સંતાનો જેક, ચિપ, જેફ અને એમી તથા 11 પૌત્રો અને 14 પ્રપૌત્રોને વિલાપ કરતાં છોડી ગયાં હતાં. ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે શાંતિ સ્થાપવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
1924માં જન્મેલા જિમી કાર્ટર 1977થી 1981 સુધી અમેરિકાના પ્રેસિડન્ટ રહ્યાં હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ભારતમાં ઈમરજન્સી બાદ જનતા પાર્ટીની સરકાર બની હતી. તેઓ 1978માં ભારત આવ્યા હતાં અને 2 જાન્યુઆરીના રોજ તેમણે ભારતીય સંસદને સંબોધન પણ કર્યું હતું.
પ્રેસિડન્ટ બાઇડેને શોકસંદેશમાં જણાવ્યું હતું કે આજે અમેરિકા અને વિશ્વએ એક અસાધારણ નેતા, રાજપુરુષ અને માનવતાવાદી ગુમાવ્યા છે. છ દાયકાઓથી વધુ સમય સુધી કરુણા અને નૈતિકતા સાથે કાર્ટરે રોગને નાબૂદ કરવા, શાંતિ સ્થાપવા, નાગરિક અધિકારો અને માનવ અધિકારોને આગળ વધારવા, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓને પ્રોત્સાહન આપવા, બેઘર લોકો માટે ઘર બનાવવાની હિમાયત કરી હતી. તેમણે સમગ્ર વિશ્વમાં લોકોના જીવન બચાવ્યા હતા અને જીવનમાં પરિવર્તન લાવ્યાં હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ફિલોસોફિકલી અને રાજકીય રીતે કાર્ટર સાથે સંમત નથી, પરંતુ તેમને એ પણ સમજાયું કે તેઓ ખરેખર આપણા દેશને પ્રેમ અને આદર કરતાં હતા. તેમણે અમેરિકાને વધુ સારો દેશ બનાવવા માટે સખત મહેનત કરી હતી અને તે માટે હું તેમને મારું સર્વોચ્ચ સન્માન આપું છું. તે ખરેખર સારા માણસ હતા અને તેમની ખોટ સાલશે.
કાર્ટર ભારતના મિત્ર ગણાતાં હતાં. 1977માં કટોકટી હટાવ્યા બાદ અને જનતા પાર્ટીની જીત બાદ ભારતની મુલાકાત લેનારા તેઓ પ્રથમ અમેરિકન પ્રમુખ હતાં. 2 જાન્યુઆરી 1978માં ભારતીય સંસદમાં તેમના સંબોધનમાં, કાર્ટર સરમુખત્યારશાહી શાસન વિરુદ્ધ બોલ્યા હતાં.
તેઓ ભારતની મુલાકાત લેનારા ત્રીજા અમેરિકન પ્રમુખ હતાં અને ભારત સાથે વ્યક્તિગત જોડાણ ધરાવતા એકમાત્ર પ્રમુખ હતાં. તેમની માતા લિલિયને 1960ના દાયકાના અંતમાં પીસ કોર્પ્સ સાથે આરોગ્ય સ્વયંસેવક તરીકે ભારતમાં કામગીરી કરી હતી.
કાર્ટર સરકાર દરમિયાન યુએસ અને ભારતે ઉર્જા, માનવતાવાદી સહાય, ટેક્નોલોજી, અવકાશ સહયોગ, દરિયાઈ સુરક્ષા, આપત્તિ રાહત, આતંકવાદ વિરોધ સહિતના મુદ્દે નજીકથી કામગીરી કરી હતી. 2000ના દાયકામાં અમેરિકા અને ભારતે સંપૂર્ણ નાગરિક પરમાણુ સહકાર તરફ કામ કરવા માટે એક સીમાચિહ્નરૂપ કરાર કર્યો હતો અને ત્યારથી દ્વિપક્ષીય વેપાર આકાશને આંબી ગયો છે.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાન તરફ નિક્સન વહીવટીતંત્રના કુખ્યાત “ઝુકાવ”ને કારણે સર્જાયેલા તાણ પછી કાર્ટર ઝડપથી વિકસતી વૈશ્વિક વ્યવસ્થામાં લોકશાહી ભાગીદાર તરીકે ભારત સાથે ફરીથી જોડાવાના નિર્ણાયક મહત્વને સમજ્યા હતાં. 1978માં તેમની ભારતની મુલાકાત માત્ર પ્રતીકાત્મક ન હતી, પરંતુ વિશ્વાસ પુનઃનિર્માણ કરવાનો અને પરસ્પર આદર અને સહિયારા મૂલ્યો પર આધારિત સંવાદ માટે માળખું સ્થાપિત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.