(PTI Photo/Kamal Kishore)

બેંગલુરુને વિશ્વના નકશા પર મૂકવા માટે જેમને શ્રેય આપવામાં આવે છે તેવા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એસએમ કૃષ્ણાનું 10 ડિસેમ્બરની વહેલી સવારે અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતાં. પીઢ રાજકારણીએ સવારે 2:45 વાગ્યે તેમના બેંગલુરુના ઘરે અંતિમ શ્વાસ લીધાં હતાં. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તેઓ જીવનના તમામ વર્ગના લોકો માટે આદરણીય એવા અદભૂત નેતા હતાં.

બેંગલુરુને ટેક કેપિટલ બનાવામાં મુખ્ય યોગદાન આપનારા કૃષ્ણાનો જન્મ 1 મે, 1932ના રોજ માંડ્યા જિલ્લામાં સોમનહલ્લીમાં થયો હતો. કોંગ્રેસ સાથે લાંબા સમય સુધી સેવા આપીને તેઓ તેમની રાજકીય કારકિર્દીના અંતમાં ભાજપમાં જોડાયા હતાં. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે તેઓ કૃષ્ણાના મૃત્યુથી આઘાતમાં છે તથા રાજ્ય અને કેન્દ્રીય પ્રધાન અને મુખ્ય પ્રધાન તરીકે તેમની સેવા અજોડ છે.

કૃષ્ણાએ મૈસુરમાં મહારાજા કોલેજમાંથી સ્નાતક થયા અને બેંગલુરુની સરકારી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતૂ. આ પછી તેઓ ડલ્લાસની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ફુલબ્રાઈટ સ્કોલર તરીકે અભ્યાસ કરવા માટે યુએસ ગયા હતાં.

તેઓ થોડો સમય પ્રજા સમાજવાદી પાર્ટી સાથે રહ્યાં પછી 1971માં કોંગ્રેસના સભ્ય બન્યાં હતાં. 1999માં તેમણે રાજ્ય એકમના વડા તરીકે કોંગ્રેસને જીત અપાવી હતી અને મુખ્ય પ્રધાન બન્યા હતાં. તેમણે 2004થી 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને 2009માં વિદેશ પ્રધાન બન્યા હતાં.

LEAVE A REPLY