અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું. રથયાત્રાનો પ્રારંભ સવારે 7.30 કલાકે થયો હતો. માતાજીના શણગાર અને આરતી કર્યા પછી સવારે રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી હતી.
માતા ભદ્રકાળીની નગરયાત્રાને રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જેને પહીંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રૂટ પર વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રાની શરુઆત ભદ્રકાળી મંદિરથી શરુ થઈ હતી તથા ત્રણ દરવાજા, માણેકનાથની સમાધિ, ખમાસા, જમાલપુર પગથિયાં થઈને જગન્નાથ મંદિર થઈને નિજ મંદિર ખાતે તેની પૂર્ણાહુતિ થઈ હતી. ભવ્ય નગરયાત્રામાં માતા ભદ્રકાળીના દર્શના માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. યાત્રામાં અંદાજે 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાઈ હતી. નગરજનોને બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, અમદાવાદના સ્થાપના દિવસ પર આ નગરયાત્રાનું આયોજન કરવા બદલ હું આયોજકોને અભિનંદન આપું છું. શહેરની રક્ષકદેવી ભદ્રકાળીની ભવ્યયાત્રા 614 વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. આ દિવસે મહાશિવરાત્રીનો શુભ અવસર પણ છે. જે યાત્રાને વધુ ખાસ બનાવે છે. આ ફક્ત એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ આપણા સહિયારા વારસા અને શ્રદ્ધાનો ઉત્સવ છે.
