અમદાવાદમાં અત્યાર સુધી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીની પણ રથયાત્રા કાઢવામાં આવશે. અમદાવાદના 614મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રાનું આયોજન કરાયું છે.
માતાજીના શણગાર અને આરતી કર્યા પછી સવારે 8 કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે. ત્રણ દરવાજા જ્યાં માતાજીનો અખંડ દીવો છે ત્યાં થઈને બાબા માણેકનાથની સમાધિએ રથ પહોંચશે. માણેકચોક થઈને દાણાપીઠ થઈને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઓફિસે રથ જશે.
રીપોર્ટ મુજબ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ માતાજીની પહેલી નગર યાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રામાં અંદાજે 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે. નગરજનોને બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવશે. યાત્રા ત્રણ દરવાજાથી શરુ કરીને બાબા માણેકનાથ સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી, ખમાસા, પગથિયા થઈને જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે. નગરદેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે. આ પછી મહાલક્ષ્મી મંદિર અને અન્ય સ્થળે જઈને નીજ મંદિર પરત ફરશે.
કેટલાંક ઇતિહાસકારો જણાવે છે કે રાજા કર્ણદેવએ મંદિરનું નિર્માણ કર્યું હતું અને મુઘલકાળ આવ્યો ત્યાં સુધી દર વર્ષે માતાજીની યાત્રા નીકળતી હતી. આ મુસ્લિમ શાસકોએ યાત્રા બંધ કરાવી હતી.
મેયર અને અન્ય પદાધિકારીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી રથ ખમાસા અને પગથિયા થઈને નગરદેવતા જગન્નાથના મંદિરે પહોંચશે. ત્યાંથી રથ નીકળીને ગાયકવાડ હવેલી થઈને રિવરફ્રન્ટ પહોંચશે. ત્યાં માતા સાબરમતીની આરતી કરવામાં આવશે. ત્યાંથી રથ વસંતચોક આવશે. ત્યાંથી સીદી સૈયદની જાળીએ થઈને કોઠાના હનુમાન દાદા અને બહુચરમાતાના મંદિર પાસે ઊભો રહીને નગરજનોને દર્શન આપીને નીજ મંદિર પરત ફરશે.
