ફ્લોરિડા સ્થિત વડોદરા મૂળના ઉદ્યોગપતિ ડેની ગાયકવાડે રેલિગેર એન્ટરપ્રાઈઝમાં હિસ્સો ખરીદવા શેરદીઠ રૂ.275ની કાઉન્ટર ઓફર કરી છે, જે ડાબર ગ્રુપના બર્મન પરિવાર દ્વારા કરાયેલી શેરદીઠ રૂ.235 ઓફર કરતાં ઘણી ઊંચી છે.
ગાયકવાડે આ 17 ટકા પ્રીમિયમ સાથેની કાઉન્ટર ઓફર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના અધ્યક્ષને લખેલા પત્ર મારફત કરી હતી. રેલિગેરે શેરબજારને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો કર્યો હતો.
ડેની ગાયકવાડ ડેવલપમેન્ટ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ ફ્લોરિડા વતી લખાયેલા પત્રમાં, રેલિગેર (REL)ના બાકીની 26 ટકા શેરમૂડી ખરીદવાની દરખાસ્તની પણ રૂપરેખા અપાઈ હતી. ગાયકવાડે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઓફર પબ્લિક શેરહોલ્ડરને સારા ભાવ આપે છે. તેઓ એક ફોકસ્ડ ઇન્વેસ્ટર છે. બર્મન પરિવારથી વિપરીત તેમના જૂથ કોઇ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC)ની માલિકી ધરાવતું નથી. તેઓ તેઓ સંપૂર્ણપણે રેલિગેર પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે અને બિઝનેસમાં વધુ રોકાણ કરી શકશે.
બર્મન પરિવારો શરૂઆતમાં રેલિગેરના આશરે 25% શેર બજારમાંથી હસ્તગત કર્યા પછી તેમની ઓપન ઓફર કરી હતી.
ફ્લોરિડા સ્થિત એક અગ્રણી ઉદ્યોગસાહસિક ડેની ગાયકવાડે IT, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને કન્વીનિયન્સ સ્ટોર્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા ઊભી કરી છે. ગુજરાતમાં જન્મેલા ગાયકવાડ ગાયકવાડ પરિવારમાંથી આવે છે, જેઓ એક સમયે બરોડા રજવાડા પર શાસન કરતા હતાં. ઉદ્યોગ સાહસો ઉપરાંત, ગાયકવાડ ભારતીય અમેરિકન રિપબ્લિકન સમુદાયમાં સક્રિય ભંડોળ ઊભુ કરનાર છે તથા અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપે છે.