વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં મંગળવારે પણ 12 ઇંચથી વધુ વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જામનગરમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું હતું. ભારે વરસાદ અને ડેમના પાણી છોડવાને પગલે મંગળવારે સવારે વડોદરામાંતી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી 25 ફૂટનું જોખમનું નિશાન વટાવી જતાં વડોદરા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 3,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા અને શહેરની તમામ સ્કૂલ કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરાઈ હતી. ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે રાહત, બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે છ આર્મી કોલમ ફાળવી હતી. ભારે વરસાદની આગાહીને કારણે રાજ્યભરમાં સ્કૂલ કોલેજોમાં 28 ઓગસ્ટે પણ રજા જાહેર કરાઈ હતી.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે રાહત, બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે છ આર્મી કોલમ ફાળવી હતી. આ આર્મી દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટીતંત્રને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 22 ટીમો તૈનાત કરાઈ હતી.
વડોદરાના કેટલાક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો ઘૂંટણ સમા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં, જેના કારણે લોકોને ઘરની અંદર રહેવાની ફરજ પડી હતી.વિશ્વામિત્રી નદીનું શહેરમાં ધુસતા સયાજીગંજ, ફતેહગંજ, પરશુરામ ભટ્ટા, હરણી, મોટનાથ અને હરણી-સમા લિંક રોડમાં રહેતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતાં.
વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે, “વિશ્વામિત્રી 34 ફૂટથી ઉપર વહી રહી છે, જે 25 ફૂટના ડેન્જર માર્કથી ઉપર છે. સાવચેતીના પગલા તરીકે સ્થાનિક વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી 3,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતાં. ઉપરવાસના વિસ્તારોમાં અવિરત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાને પગલે સોમવારથી વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી રહી છે. મંગળવારે બપોરે 2 વાગ્યે જળસપાટી 35.25 ફૂટ થઈ હતી.
હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવની આસપાસની સેંકડો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો વિશ્વામિત્રી નદીની સપાટી વધ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોટનાથ મહાદેવની આસપાસ આવેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોના લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં તેના બિહામણા દ્રશ્યો વાયરલ વિડિયોમાં સામે આવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. જ્યારે પણ ભારે વરસાદના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસે છે. ત્યારે મગરો શહેરના માર્ગો પર જોવા મળે છે. હાલમાં મગરોની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેક્સ્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.
મંગળવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 347 મીમી (13 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતું. પંચમહાલના મોરવા હડફ (346 મીમી), ખેડાના નડિયાદ (327 મીમી), આણંદના બોરસદ 318 મીમી, વડોદરા તાલુકમાં 316 અને આણંદ તાલુકો 314 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 251માંથી ઓછામાં ઓછા 24 તાલુકાઓમાં 200મીમી (સાત ઇંચ)થી વધુ અને 91 તાલુકાઓમાં 24 કલાકમાં 100મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.