અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી ભારત સહિત મુખ્ય વેપાર ભાગીદાર દેશો સામે પારસ્પરિક (રેસિપ્રોકલ)ટેરિફનો અમલ કરે તે પહેલા ભારત અને અમેરિકાના વેપાર અધિકારીઓ વચ્ચે ગત શનિવારે દ્વિપક્ષીય વેપાર કરાર માટેની મંત્રણાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો હતો. બંને પક્ષોએ જણાવ્યું હતું કે મંત્રણામાં સારી પ્રગતિ થઈ છે. દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં યુએસ અધિકારીઓની એક ટીમ વેપાર કરાર પર વાટાઘાટો માટે હાલમાં ભારતની મુલાકાતે આવી હતી.
અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘વેરી સ્માર્ટ મેન’ અને ‘ગ્રેટ ફ્રેન્ડ’ ગણાવીને પ્રેસિડેન્ટ ટ્રમ્પે શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે આગળ વધશે. જોકે બે એપ્રિલથી ભારતને પારસ્પરિક ટેરિફમાં રાહત આપવાના કોઇ સંકેત આપ્યો ન હતાં.
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે તેમના સંબંધો ખૂબ સારા છે, પરંતુ એકમાત્ર સમસ્યા એ છે કે વિશ્વના સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત કદાચ ટેરિફમાં મોટો ઘટાડો કરશે, પરંતુ 2 એપ્રિલથી ભારત જેટલી ટેરિફ વસૂલ કરે છે તેટલી ટેરિફ નાખીશું.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંતુલિત વેપાર સંબંધો માટે ટેરિફ સહિતના અવરોધમાં ઘટાડા સહિત દ્વિપક્ષીય વેપારની ચર્ચા કરવા અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લેન્ડૌ સાથે ચર્ચાવિચારણા કરી તે જ દિવસે ટ્રમ્પે આ ટીપ્પણી કરી હતી. ભારતમાં ગત સપ્તાહે અમેરિકાના પ્રતિનિધિમંડળની ભારતીય અધિકારીઓ સાથે ટેરિફ અંગેની ચર્ચાવિચારણા ચાર દિવસ ચાલી હતી.
વ્હાઇટ હાઉસમાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તાજેતરમાં જ અહીં આવ્યા હતાં અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ. ભારતનો દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાં સમાવેશ થાય છે તે ક્રૂર છે, તે ક્રૂર છે. તેઓ ખૂબ જ સ્માર્ટ છે. તેઓ (મોદી) ખૂબ જ સ્માર્ટ માણસ છે અને મારા એક મહાન મિત્ર છે. અમારી વચ્ચે ખૂબ સારી વાતચીત થઈ હતી. મને લાગે છે કે ભારત અને આપણા દેશ વચ્ચે ખૂબ જ સારી વેપાર સમજૂતી થશે. હું કહેવા માંગુ છું કે તમારી પાસે એક મહાન પ્રધાનમંત્રી છે.
અમેરિકા 2 એપ્રિલથી તેના વેપાર ભાગીદારો દેશો પર પારસ્પરિક ટેરિફ લાદી રહ્યું છે તેના થોડા દિવસો પહેલા ટ્રમ્પે આ ટીપ્પણીઓ કરી હતી.
નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મિસરી અને લેન્ડૌ વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહયોગ તથા મોબિલિટી અને માઇગ્રેશનના મુદ્દા પર વાતચીત થઈ હતી
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે બંને અધિકારીઓએ વાજબી અને સંતુલિત દ્વિપક્ષીય વેપાર સંબંધો સ્થાપિત કરવા માટે અવરોધો ઘટાડવા તથા ડિફેન્સ અને ટેકનોલોજીમાં સહયોગને મજબૂત કરવા અંગે વાતચીત થઈ હતી. હાલમાં અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચ ભારતમાં છે અને ભારતીય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) અંગે મંત્રણા કરી રહ્યાં છે.
બીજી એપ્રિલે મુક્તિદિવસઃ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ટેરિફના નવા દર જાહેર કરવાના છે. આ દિવસ યુએસના ઈતિહાસમાં વિદેશી સામાનમાંથી મુક્તિનો પ્રસંગ બનશે તે લિબરેશન ડે બનશે, તેવો વિશ્વાસ ટ્રમ્પે જાહેર કર્યો છે. ટ્રમ્પે નવી ટેરિફ નીતિનો અમલ કરતાં અમેરિકન પરિવારો માટે મોંઘવારી વધવાની અને આવક ઘટવાની આશંકા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે ટ્રમ્પ પોતાના ઈરાદામાં પીછેહઠ કરવાના મૂડમાં નથી. ટ્રમ્પે આયાતી સામાનના બદલે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વ્હાઈટ હાઉસ ખાતે અનેક સીઈઓને આમંત્રિત કર્યા છે, જેમાં તેમને નવા ટેરિફથી બચવા માટે અમેરિકામાં જ અબજો ડોલરનું રોકાણ કરવા સંમત કરવામાં આવશે.
વ્હાઈટ હાઉસ ખાતે ટોચના સીઈઓ જૂથ સાથેની બેઠકમાં ધાર્યું પરિણામ ન મળે તો ટેરિફમાં ‘જેવા સાથે તેવા’ની ટ્રમ્પ
નીતિ પડતી મૂકાય તેવી શક્યતા પણ છે. ટ્રમ્પે સીઈઓ સાથેની બેઠકમાં સકારાત્મક પરિણામ મળવાની આશા વ્યક્ત કરી છે. ટ્રમ્પે રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફની નીતિ અમલમાં મૂકતા યુરોપિયન દેશો, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને ભારત સહિત અનેક દેશોમાંથી આવતી વસ્તુઓ મોંઘી બનવાની છે, જેની સીધી અસર સામાન્ય અમેરિકનના ઘરેલુ બજેટ પર થશે.
રેસિપ્રોકલ ટેરિફ
રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જ્યારે એક દેશ કોઈ અન્ય દેશથી આયાતિત વસ્તુઓ પર ટેરિફ (આયાત શુલ્ક) લગાવે તો બીજો દેશ પણ તે ગુણોત્તરમાં તે દેશના ઉત્પાદનો પર ટેરિફ લગાવી દે છે. તેને સરળ ભાષામાં જેવા સાથે તેવાની નીતિ કહી શકાય. દાખલા તરીકે જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર 10 ટકા આયાત કર લાદે તો અમેરિકા પણ તે દેશથી આવતા સામાન પર 10 ટકા જ ટેરિફ લગાવશે.
