જમ્મુ અને કાશ્મીરમાંથી 2019માં કલમ 370ની નાબૂદી પછી પ્રથમ વખત યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 24 બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધી બમ્પર 58 ટકાથી વધુ મતદાન થયું હતું. બુધવાર, 18 સપ્ટેમ્બરે આશરે એક દાયકા પછી પ્રથમ વાર યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા મતદાતાઓએ લાંબી કતાર લગાવી હતી અને ત્રાસવાદની ભયાનકને ભૂલીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ અને કાશ્મીરની 90 બેઠકોની વિધાનસભા માટે ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. તેનું રિઝલ્ટ આઠ ઓક્ટોબરે જાહેર થશે. રાજ્યમાં આશરે 90 લાખ મતદાતા છે.
આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યે એકંદરે 58.19 ટકા મતદાન થયું હતું.24 વિધાનસભા બેઠકોમાંથી સાંજે પાંચ વાગ્યા સુધી સૌથી વધુ મતદાનની ટકાવારી ઈન્દરવાલમાં 80.06 ટકા નોંધાઈ હતી. પેડર-નાગસેનીમાં 76.80 ટકા અને કિશ્તવાડમાં 75.04 ટકા મતદાન થયું હતું.ડોડા પશ્ચિમમાં પણ આ સમયગાળા દરમિયાન 74.14 ટકાનું ઊંચું મતદાન નોંધાયું હતું.
વર્ષો સુધીથી આતંકવાદીનો શિકાર બનેલા કાશ્મીર ખીણના પહેલગામ સેગમેન્ટમાં સૌથી વધુ 67.86 મતદાન નોંધાયું હતું.ડીએચ પોરા 65.21 ટકા, કુલગામ 59.58, કોકરનાગ 58 ટકા અને દુરુ 57.90 ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું 40.58 ટકા ત્રાલ બેઠક પર નોંધાયું હતું, પુલવામા જિલ્લાના ચાર મતવિસ્તારોમાં હજુ સુધી 50 ટકાનો આંકડો પાર કર્યો ન હતો.
જમ્મુ અને કાશ્મીર ભારતનો એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ છે અને તે 1947થી પડોશી દેશ પાકિસ્તાન સાથે વિવાદના કેન્દ્રમાં છે. ભારત અને પાકિસ્તાન બંને સંપૂર્ણ કાશ્મીર પર દાવો કરે છે. આ કાશ્મીર મુદ્દે બે યુદ્ધ પણ લડાઈ ચુક્યા છે.
2019 સુધી ભારત શાસિત જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ અધિકારો આપતી કલમ 370 હતી, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નાબૂદ કરી હતી. મોદીએ X પર કહ્યું હતું કે “જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો શરૂ થતાં, હું બધાને વિનંતી કરું છું … મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારને મજબૂત કરો,”