યુકેમાં પ્રથમ પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના લગ્ન પર પ્રતિબંધ મૂકવા સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવનાર છે. આ અંગે વધુ વિચારણા માટે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં લગ્ન (પ્રોહિબીટેડ ડિગ્રીઝ ઓફ રીલેશનશીપ) બિલ રજૂ કરવાનો પ્રયાસ કરશે.
હાલના કાયદા મુજબ ભાઈ, માતા-પિતા અથવા બાળક સાથે લગ્ન કરી શકાતા નથી. પરંતુ સગા કાકા-માસી કે ફોઇના બાળકો વચ્ચે લગ્ન કરવા પર પ્રતિબંધ નથી.
જસ્ટીસ મિનિસ્ટર એલેક્સ ડેવિસ-જોન્સે પિતરાઈ સાથેના લગ્નો પર પ્રતિબંધ મૂકવા અંગેના લેખિત સંસદીય પ્રશ્નના જવાબમાં, જણાવ્યું હતું કે સરકાર જાહેર સ્થિતિ જણાવતા પહેલા “આપણા લગ્નના કાયદાને યોગ્ય રીતે ધ્યાનમાં લેવા” સમય લેશે.
બેસિલ્ડન અને બિલેરિકના સાંસદ અને ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ મિનિસ્ટર રિચાર્ડ હોલ્ડને જણાવ્યું હતું કે ‘’આવા લગ્નોના કારણે જન્મજાત ખામી ઉભી થયા છે અને તે નકારાત્મક માળખાને મજબૂત બનાવી શકે છે અને મહિલાઓને નિયંત્રિત કરી શકે છે. પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચેના લગ્નો કેટલાક સમુદાયોમાં વધુ પ્રચલિત છે. તે ધાર્મિકને બદલે સાંસ્કૃતિક હોઈ શકે છે. પણ ફર્સ્ટ-કઝીન મેરેજ યુકેમાં અને વૈશ્વિક સ્તરે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. અભ્યાસો દર્શાવે છે કે તેના કારણે સામાન્ય વસ્તીની સરખામણીમાં બાળકોના જન્મ થાય ત્યારે લગભગ બમણી જન્મજાત ખામીઓ ઉભી થાય છે. ઘણા રાષ્ટ્રો અને રાજ્યોએ તાજેતરના વર્ષોમાં આ મુદ્દા પર પગલાં લીધાં છે અને આપણા માટે પણ તે જ કરવાનો સમય આવી ગયો છે.”