ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામણની 8-10 એપ્રિલ દરમિયાન લંડનની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચે સૂચિત મુક્ત વેપાર કરાર (FTA) અને દ્વિપક્ષીય રોકાણ સંધિને લગતા મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થવાની ધારણા છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સીતારામન લંડનમાં ભારત-યુનાઇટેડ કિંગડમ આર્થિક અને નાણાકીય સંવાદ સહિત અનેક બેઠકોમાં હાજરી આપશે.સીતારામન યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર રશેલ રીવ્સ અને અન્ય બ્રિટિશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરે તેવી શક્યતા છે.
24 ફેબ્રુઆરીના રોજ, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને યુકેના બિઝનેસ અને સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત FTA માટે વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભારત-યુકે વાટાઘાટો આઠ મહિનાથી વધુ સમયના વિરામ બાદ ફરી શરૂ થઈ રહી છે. આ વાટાઘાટો ૧૩ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં વાટાઘાટોના ૧૪ રાઉન્ડ પૂર્ણ થયા છે.બંને દેશો FTA, દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT), અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન કરાર અંગે હાલમા વાટાઘાટો કરી રહ્યાં છે. વેપાર કરારમાં, ભારત યુકેના બજારમાં તેના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે વધુ ઍક્સેસ ઇચ્છે છે. બીજી તરફ, યુકે સ્કોચ વ્હિસ્કી, ઇલેક્ટ્રિક વાહનો, ઘેટાંનું માંસ, ચોકલેટ અને અમુક કન્ફેક્શનરી વસ્તુઓ જેવા માલ પર આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે.
