આ વાર્તા સંજય (સલમાન ખાન)ની છે. જે રાજકોટના લોકોના દિલ પર રાજ કરે છે. તે રાજકોટના રાજા છે અને તેઓ લોકોના કલ્યાણ માટે તમામ પ્રકારના બલિદાન આપવાની ભાવના ધરાવતા હોવાથી લોકો તેમને દેવદૂત માને છે. સંજયને, સિકંદર અને રાજા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે. સાઈશ્રી (રશ્મિકા મંદાના) સંજયની પત્ની છે, જે હંમેશા પતિદેવની સુરક્ષાની ચિંતા કરે છે. આ ફિલ્મની મુખ્ય કહાની મંત્રી (સત્યરાજ)ના પુત્ર અર્જુન પ્રધાનના દુ:સાહસથી શરૂ થાય છે. તે ફ્લાઇટમાં એક મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં સંજય હાજર થાય છે અને મહિલાને બચાવે છે. તે અર્જુનને મહિલાના પગે પડીને માફી માંગવા મજબૂર કરે છે. આ અપમાનનો બદલો લેવા માટે અર્જુન અને મંત્રી સંજયની પાછળ પડી જાય છે, પરંતુ જ્યારે આ બદલાની આગમાં સાઈશ્રીની બલી ચડી જાય છે, ત્યારે અર્જુનના જીવનમાં તોફાન આવી જાય છે. સાઈશ્રીના મૃત્યુ પછી, સંજયને ખબર પડે છે કે તેની પત્ની ગર્ભવતી હતી. તે ખૂબ જ દુઃખમાં ડૂબી જાય છે, પરંતુ તેને એ વાતનું આશ્વાસન મળે છે કે તેની પત્નીએ તેના અંગોનું દાન કર્યું છે અને આમ સાઈશ્રી ત્રણ અલગ અલગ લોકોના શરીરમાં જીવીત રહેશે. પંજાબમાં થયેલા વિસ્ફોટમાં સંજયને દોષિત સાબિત કરવા માટે મંત્રી કાવતરું ઘડે છે, પરંતુ આ ઘટનામાં તે પોતાના પુત્ર અર્જુનને ગુમાવે છે, ત્યારે બદલો લેવાની તેની લડાઈ વધુ ભયાનક વળાંક લે છે. હવે મંત્રીનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે, કોઈ પણ રીતે તે ત્રણ લોકોને શોધીને ખતમ કરી નાખવા જેમને સાઈશ્રીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. હવે રાજકોટથી મુંબઈ પહોંચેલા સંજયના જીવનનું પણ એક માત્ર લક્ષ્ય છે, કે ત્રણ લોકોના જીવ બચાવવો, જેના કારણે તેની પત્ની જીવિત છે. શું સંજય તે ત્રણેય વ્યક્તિના જીવ બચાવી શકશે કે પછી તે મંત્રીના કાવતરાનો શિકાર બનશે? આવા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે આ ફિલ્મ જોવી રહી.
સલમાન ખાનની ‘સિકંદર’ રિલીઝ સાથે જ છવાઈ ગઈ છે. લાંબા સમય પછી ભાઈજાનની ફિલ્મ આવી રહી હોવાથી ચાહકોએ પહેલા જ દિવસે બોક્સઓફિસ છલકાવી દીધી હતી. આ ફિલ્મે રિલીઝની સાથે જ નવો રેકોર્ડ બનાવી દીધો છે. ‘સિકંદર’ને ભારતના 5500 સ્ક્રિન્સમાં રિલીઝ કરાઈ હતી અને એક સમયે તેના કુલ 22000થી વધુ શો ચાલી રહ્યા હતા. આટલા બધાં સ્ક્રીન અને શો સાથે રિલીઝ થનારી પહેલી બોલીવૂડ ફિલ્મ તરીકે ‘સિકંદર’એ રેકોર્ડ બનાવ્યો છે.
એ આર મુરગોદાસના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ છે. ‘ટાઈગર 3’ પછી સલમાન ખાનની પહેલી સોલો ફિલ્મ રિલીઝ થઈ છે. વચ્ચે ‘બોબી જોન’ અને ‘સિંઘમ અગેઈન’ જેવી ફિલ્મો આવી હતી, પરંતુ તેમાં સલમાનનો કેમિયો જ હતો. ‘સિકંદર’ને આ રીતે સલમાનની કમબેક ફિલ્મ જ કહી શકાય. ‘સિકંદર’ના ઓનલાઈન નોંધાયેલા શો 19 હજારથી વધુ હતા, જ્યારે ઓનલાઈન બુકિંગ ન હોય તેવા થીયેટરમાં આ ફિલ્મના 3 હજારથી વધુ શો હતા.
