ગત વર્ષે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં શાહિદ કપૂરના અભિનય અને ડાન્સની દર્શકોએ ખૂબ પ્રસંશા કરી હતી. હવે બોલીવૂડના યુવા ચોકલેટી અભિનેતાએ નવા વર્ષમાં પડકારજનક ભૂમિકા સાથે કમબેક કર્યું છે. તેની નવી ફિલ્મ ‘દેવા’માં તે પ્રતિભાશાળી પણ વિદ્રોહી પોલીસ અધિકારીના રોલમાં છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેના સાથે આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે પૂજા હેગડે છે. આ ફિલ્મનું દિગ્દર્શન મલયાલમ ફિલ્મમેકર રોશન એન્ડ્રુઝે કર્યું છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર એક ગરમ મગજ વાળો, સનકી પ્રકારના પોલીસ અધિકારી દેવ આંબ્રેની ભૂમિકામાં છે. તેને સીસ્ટમની કોઈ ચિંતા જ નથી. તેનો ગુસ્સા અને બંદૂકની ટ્રીગર પરનો કાબૂ ઘણો ઓછો છે. પોતાના બાળપણના મિત્ર અને સાથી ઓફિસર રોહનની હત્યા પછી દેવાનું વિચારો ફરી જાય છે. રોહનના ખૂનીને તે એક ગુંડાની જેમ શોધી રહ્યો હોય છે. વાર્તામાં નવો વળાંક ત્યારે આવે છે કે તે જ્યારે પોતાના સીનિયર અધિકારીને ફોન પર કહે છે કે તેણે રોહનના હત્યારાને શોધી કાઢ્યો છે. તે આ તપાસમાં ગુનાખોરીના અનેક પાસા ઉજાગર કરે છે. પરંતુ ત્યારે જ તેનો અકસ્માત થાય છે અને હોસ્પિટલમાં સાજો થાય છે ત્યારે તેની યાદશક્તિ ગાયબ થઇ ગઇ હોય છે. તેને હવે રોહનના કેસ અને તેના ખૂની વિશે કંઇ જ યાદ નથી હોતું. તેનો સીનિયર તેની ઢાલ બને છે અને કોઈને ખબર નથી પડવા દેતો કે તેની સાથે શું થયું છે. હવે આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી.