લવયાપા, એક રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મની કહાની આજની યુવા પેઢી કેન્દ્રિત છે, જેમાં ઘણો રોમાંસ અને ડ્રામા છે. આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અને શ્રીદેવી-બોની કપૂરની પુત્રી ખુશી કપૂર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં યુવા પેઢીના સંબંધોમાં જોવા મળતી મૂંઝવણો અને આકર્ષણોને દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરી થોડી વિચિત્ર પણ જણાય છે. ફિલ્મની કહાની કરિશ્મા પ્રણવ ભાવસાર દ્વારા લખવામાં આવી છે, તેમાં કોમેડી ડાયલોગ્સ પણ છે. ફિલ્મની કહાની જાદુઈ વિશ્વ કરતાં વાસ્તવિક જીવનના સંબંધોની જટિલતાઓ, મર્યાદાઓ અને પ્રેમલગ્નની વાતોને વધુ રજૂ કરે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે, તેમણે ફિલ્મને વાસ્તવિક જીવનની જેમ રજૂ કરી છે.
આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા યુવાનોની લવસ્ટોરી આ ફિલ્મમાં છે. તે 2022માં રીલીઝ થયેલી તમિળ ફિલ્મ લવ ટુડે પર આધારિત છે. બે યુવાન હૈયાઓ એકબીજાના પ્રેમમાં પડે છે. લગ્ન માટે છોકરીના પિતા પાસે જાય છે. છોકરીના પિતા એક શરત મુકે છે. આ શરત એ છે કે બન્નેએ પોતાના મોબાઈલ એકબીજા સાથે 24 કલાક માટે શેર કરવાના છે. મોબાઈલ માત્ર ફોન નથી રહ્યો, તે વ્યક્તિત્વનો એક ચિતાર રજૂ કરે છે. આ ચેલેન્જ બન્નેની લવસ્ટોરીમાં કેવો વળાંક લાવે છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનૈદ મહારાજથી અને આર્ચી ફિલ્મથી ખુશીએ બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. મહારાજમાં પણ જુનૈદના અભિનયની પ્રશંસા થઇ હતી. જ્હાનવી કપૂરની નાની બહેન ખુશી સોશિયલ મીડિયા પોસ્ટ સિવાય ખાસ કોઈને નજરમાં આવતી નથી. પરંતુ તેણે પણ 19-20 વર્ષની આધુનિક વિચારધારા ધરાવતી યુવતીની ભૂમિકા સારી રીતે ભજવી છે. આ ફિલ્મમાં આશુતોષ રાણાએ પણ ભૂમિકા ભજવી છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)