‘કલ્કી 2898 એડી અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મનો બિઝનેસ વૈશ્વિક સ્તરે ટૂંક સમયમાં રૂ. 1000 કરોડના આંકડાને પાર કરી જશે. વૈજયંતિ મૂવીઝના બેનર હેઠળ બનેલી, ‘કલ્કી 2898 એડી’માં અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફિલ્મમાં દિશા પટણી, શાશ્વત ચેટર્જી અને શોભના પણ છે. દુલકર સલમાન, મૃણાલ ઠાકુર અને વિજય દેવરાકોંડા પણ મહેમાન કલાકારની ભૂમિકામાં છે.
આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથ ઇન્ડિયાના જાણીતા ફિલ્મ મેકર નાગ અશ્વિને કર્યું છે. આ ફિલ્મની કથા અલગ પ્રકારની છે, જેમાં એવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે ભારતીય સિનેમામાં ખૂબ જ ઓછું જોવા મળે છે. કલ્કી-ભગવાન વિષ્ણુનો દસમો અવતાર, જે માનવજાતના કલ્યાણ માટે દૂરના ભવિષ્યમાં ક્યાંક જન્મ લેશે તેવી પ્રાચીન વાર્તા છે. આ સ્ટોરી વર્ષ 2898ની છે, જ્યાં પૃથ્વી રસાતળ થઈ છે, ગંગામાં પાણી જ નથી. માનવજાત નષ્ટ થવાના આરે છે. જે લોકો બચી ગયા છે તે કાશીમાં વસે છે. ત્યાં પણ સમાનતા નથી. ગરીબો વધુ ગરીબ બને છે અને ધનવાનો વધુ ધનિક થાય છે.
આ ફિલ્મમાં હિન્દુ પૌરાણિક કથાઓનું મિશ્રણ છે. મહાભારતમાં, કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધ પછી, ભગવાન કૃષ્ણ અશ્વત્થામાને શ્રાપ આપે છે, જેમાં તે કહે છે કે તે જીવંત રહેશે અને કળિયુગમાં, જ્યારે પાપ વધશે, ત્યારે તેને દૂર કરવા માટે ભગવાન ફરીથી જન્મ લેશે અને તમારે તેની રક્ષા કરવી પડશે. પછી વાર્તા હજારો વર્ષ આગળ વધે છે. સૌ પ્રથમ, કાશીના જૂના શહેરમાં, સુપ્રીમ યાસ્કીન એટલે કે તે સ્થાનિક ડોન છે, જે છોકરીઓને અલગથી બંદી બનાવી રાખે છે. તે એવી ગર્ભવતી છોકરીની શોધમાં છે જેના ડીએનએ તેને ફરીથી મજબૂત બનાવી શકે. તે બાળક સુમતિ એટલે કે દીપિકા પાદુકોણના ગર્ભમાં ઉછરી રહ્યું છે. અશ્વત્થામા એટલે કે અમિતાભ બચ્ચન તેને બચાવવા ઇચ્છે છે, ભૈરવ એટલે કે પ્રભાસ સુમતિને યાસ્કીનને આપવા ઇચ્છે છે કારણ કે તે તેની બક્ષિસ છે, બદલામાં તેને પૈસા મળશે.