આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની કહાની રજૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના ગયા પછી જ્યારે મુઘલોનું મનોબળ વધવા લાગ્યું ત્યારે છત્રપતિ સંભાજી મહારાજે તેમના નાપાક ઇરાદાઓને સફળ થવા દીધા નહોતા. આ ફિલ્મમાં તેમની મહાનતા, બહાદુરી, કૌશલ્ય મહત્વપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ત્રણ કલાકારો- વિક્કી કૌશલ, અક્ષય ખન્ના અને વિનીત કુમાર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મની શરૂઆત અજય દેવગણના શક્તિશાળી અવાજમાં મુઘલો અને મરાઠાઓના ઇતિહાસના પરિચયથી થાય છે. પ્રથમ દૃશ્ય ઔરંગઝેબના દરબારનું છે, જ્યાં સમાચાર પહોંચે છે કે છત્રપતિ શિવાજી મહારાજ હવે નથી રહ્યા. આ સાંભળીને, મુઘલોને ઉજવણી કરવાનો મોકો મળે છે પરંતુ પછી અચાનક તેમના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંના એક બુરહાનપુરમાં જમીન ધ્રુજવા લાગે છે, જ્યાં મુઘલ સૈનિકો શાંતિથી બેઠા છે. આ દરમિયાન, વિક્કી કૌશલની ભવ્ય એન્ટ્રી થાય છે.
અન્ય એક દૃશ્યમાં વિશાળ મુઘલ સૈન્ય 25,000 મરાઠા સૈનિકોનો સામનો કરી રહ્યું છે. ઔરંગઝેબની પુત્રી ઝીનત-ઉન-નિસા બેગમ (ડાયના પેન્ટી) કટાક્ષમાં કહે છે, “આપણી પાસે આના કરતાં વધુ રસોઈયા છે.” જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમ મરાઠાઓની સાચી તાકાત, જે તેમની વ્યૂહરચના અને બુદ્ધિમત્તા છે, તે સામે આવે છે. ફિલ્મમાં ચાર મુખ્ય યુદ્ધોને એટલી શક્તિશાળી રીતે દર્શાવવામાં આવ્યા છે કે દરેક યુદ્ધ પોતાનામાં ઇતિહાસની એક મોટી ક્ષણ જેવું લાગે છે. જોકે, સૌથી મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે છત્રપતિ સંભાજી મહારાજને તેમના જ લોકો દ્વારા દગો આપવામાં આવે છે. ઔરંગઝેબે સંભાજી મહારાજ પર કરેલા અત્યાચાર એટલા ભયાનક છે કે દર્શકનો આત્મા કંપી જાય છે. અન્ય એક દૃશ્યમાં જ્યારે છત્રપતિ સંભાજી મહારાજની પત્નીનો ભાઈ છત્રપતિ શિવાજી મહારાજ વિશે કંઈક ખોટું કહે છે, ત્યારે સંભાજી ગર્જના કરે છે. આ દશ્યમાં વિક્કી કૌશલની શક્તિ એવી છે કે થીયેટરમાં બેઠેલા દર્શકો ધ્રૂજી જાય છે. અંતે ઔરંગઝેબની પુત્રી કહે છે કે ‘સાંભા તેમના મૃત્યુની ઉજવણી કરીને ચાલ્યા ગયા અને અમને છોડી ગયા પોતાની જિંદગીનો માતમ મનાવવા. આ બતાવે છે કે સંભાજી કેટલા મોટા વીર હતા.
આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. હિન્દી મીડિયમ, લુકા છિપી, મિમી જેવી ફિલ્મો બનાવી ચૂકેલા લક્ષ્મણે અહીં કંઈક અલગ જ કામ કર્યું છે. ઇતિહાસના આવા નાયક પર ફિલ્મ બનાવવી સરળ નથી. જાણીતા સંગીતકાર એ.આર. રહેમાને ફિલ્મમાં સંગીત આપ્યું છે.

LEAVE A REPLY