જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના દૂરના માચેડી વિસ્તારમાં સોમવારે ત્રાસવાદીઓએ આર્મીના વ્હિકલ પર કરેલા હુમલામાં જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત પાંચ સૈનિકો શહીદ થયા હતા અને બીજા પાંચ ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ નિયમિત પેટ્રોલિંગ પર રહેલા આર્મી વ્હિકલને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યા હતા અને ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતાં.
જમ્મુ ક્ષેત્રમાં એક મહિનામાં આ પાંચમો આતંકી હુમલો હતો. રાજકીય નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાં વધતી જતી આતંકવાદી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. જમ્મુ પ્રદેશમાં બે દાયકાથી આતંકવાદનો સફાયો છે, પરંતુ હવે તે માથુ ઉચકી રહ્યો છે.
પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM)ના શેડો સંગઠન કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી સ્વીકારી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એકબીજા સામે ગોળીબાર ચાલુ હતો. આતંકવાદીઓનો સફાયો કરવા માટે વધુ સૈનિકો મોકલવામાં આવ્યાં હતાં. ત્રાસવાદીઓએ તાજેતરમાં સરહદ પારથી ઘૂસણખોરી કરી હોવાનું માનવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કુલ 10 જવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી ચારનું બાદમાં મૃત્યુ થયું હતું.”
છેલ્લા ચાર અઠવાડિયામાં કઠુઆ જિલ્લામાં આ બીજી મોટી ઘટના હતી.12 અને 13 જૂને સર્ચ અને કોર્ડન ઓપરેશન દરમિયાન ભીષણ ગોળીબારમાં બે આતંકવાદીઓ અને એક CRPF જવાન માર્યા ગયા હતા. તાજેતરમાં જમ્મુમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે, જેને સત્તાવાળાઓ આતંકવાદને પુનર્જીવિત કરવાના અને શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડવાના પાકિસ્તાની હેન્ડલર્સના પ્રયાસોને જવાબદાર ગણાવે છે.