શુક્રવારે મંડી ખાતે કથિત ગેરકાયદે રીતે બાંધવામાં આવેલી મસ્જિદનો વિરોધ કરી રહેલા હિંદુ સંગઠનોના સભ્યોને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. (ANI Photo)

હિમાચલપ્રદેશમાં શિમલા પછી મંડીમાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામના મુદ્દે હિન્દુઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મંડીમાં શુક્રવારે હિંદુ જૂથોએ શહેરમાં એક મસ્જિદના અનધિકૃત ભાગને તોડી પાડવાની માંગણી સાથે વિરોધ માર્ચ યોજી હતી અને મસ્જિદમાં ધુસવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસ સાથે થયેલી અથડામણમાં કેટલાંક ઘાયલ થયા હતા. પોલીસને પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે વોટરકેનનો ઉપયોગ કરવો પડ્યો હતો.

અગાઉ બુધવારે શિમલામાં મસ્જિદના મુદ્દે હિન્દુઓએ કરેલી ઉગ્ર દેખાવોમાં છ પોલીસ જવાનો અને ચાર દેખાવકારો ઘાયલ થયા હતા. દેખાવકારોએ બેરિકેડ તોડીને મસ્જિદની નજીક પહોંચી જતાં પોલીસે લાઠીચાર્જ અને વોટરકેનનો આશરો લેવો પડ્યો હતો.

શિમલામાં સર્વપક્ષીય બેઠક પછી મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ રાજ્યના લોકોને શાંતિ અને ભાઈચારો જાળવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે હું દરેકને શાંતિ જાળવવા અને કોઈ ઉશ્કેરણીજનક નિવેદનો ન કરવા અપીલ કરું છું. કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. અમે દરેકનું સન્માન કરીએ છીએ. હિમાચલની ભૂમિ તમામ ધર્મોનું સન્માન કરે છે.

મુસ્લિમ સમુદાયના સભ્યોએ ગુરુવારે મંડીમાં મસ્જિદના એક ભાગને તોડી પાડ્યો હતો અને કહ્યું હતું કે તે એક દિવાલ હતી. જેનાથી સરકારી જમીન પર અતિક્રમણ થયું હતું.

LEAVE A REPLY